Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

દારૂ પીવે છે કાશ્મીરના રાજ્યપાલ : નથી હોતું કોઇ કામ : સત્યપાલ મલિક

બાગપત તા. ૧૬ : જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવા સુધી રાજયપાલ રહેલા અને વર્તમાનમાં ગોવાના રાજયપાલ સત્યપાલ મલિકે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજયપાલનું કોઈ કામ હોતું નથી. કાશ્મીરના રાજયપાલ તો દારૂ પીવે છે અને માત્ર ગોલ્ફ રમે છે.

ગોવાના રાજયપાલ સત્યપાલ મલિકે રવિવારે પોતાના ગૃહ જિલ્લા બાગપતમાં એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, 'બાકી જગ્યા (અન્ય રાજયો) જે રાજયપાલ હોય છે તે આરામથી રહે છે, કોઈ ઝગડામાં પડતા નથી.' સત્યપાલ મલિક બાગપતના હિસાવડાના રહેવાસી છે.

તેમણે કહ્યું, 'જ્યારે મને બિહારના રાજયપાલ બનાવવામાં આવ્યા, તો મેં વિચાર્યું કે ત્યાંની શિક્ષા વ્યવસ્થામાં સુધાર માટે કંઇક કરૂ. રાજયમાં ૧૦૦ કોલેજ એવી હતી જે રાજનેતાઓની હતી. તેમને ત્યાં શિક્ષકો નહતા. દર વર્ષે તે બીએડમાં એડમિશન લે અને પૈસા આપીને પરીક્ષા કરાવતા હતા અને ડિગ્રીઓ વેંચતા હતા. મેં તમામ કોલેજ રદ્દ કરી અને એક સેન્ટ્રલાઇઝડ પરીક્ષા કરાવી હતી.'

જમ્મૂ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં તત્કાલીન રાજયપાલ સત્યપાલ મલિકની મહત્વની ભૂમિકા રહી હતી. તેના બે મહિના બાદ સુધી તેઓ જમ્મૂ-કાશ્મીરના રાજયપાલ રહ્યાં હતા. ત્યારબાદ ૩ નવેમ્બર ૨૦૧૯ના તેમને ગોવાના રાજયપાલ બનાવ્યા હતા.

(10:47 am IST)