Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જમ્મુ કાશ્મીર : ચાર કુખ્યાત ત્રાસવાદીને ઠાર કરી દેવાયા

ઠાર કરાયેલા ત્રાસવાદીઓ પાસેથી હથિયારો જપ્ત : ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા દળોને અનંતનાગ ખાતે મોટી સફળતા મળી : ત્રાસવાદીની ઓળખ કરવા પ્રયાસો

શ્રીનગર, તા. ૧૫ : જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ચાલી રહેલા અભિયાનમાં રાજ્યપોલીસ ફોર્સને મોટી સફળતા હાથ લાગી છે. આજે અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મોતને ઘાટ ઉતારવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રદેશના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે આજે અથડામણ થઇ હતી. બંને તરફથી ફાયરિંગમાં સુરક્ષા દળોએ પોતાની કુશળતા જાળવી રાખીને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલથી માહિતી આપતા કહ્યું છે કે, અનંતનાગ વિસ્તારમાં સુરક્ષા દળો અને પોલીસ જવાનો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. અનંતનાગમાં આ અથડામણ એવા સમયે થઇ છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.

            ગયા વર્ષે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબૂદી બાદથી આતંકવાદીઓ સામે જોરદાર ઓપરેશન ચાલી રહ્યું છે. આના ભાગરુપે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદથી સઘન સુરક્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. સામાન્ય લોકો માટે તમામ વિકાસની કેન્દ્રની યોજનાઓ જમ્મુ કાશ્મીરમાં અમલી કરવામાં આવી ચુકી છે. જમ્મુ કાશ્મીર પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓની પાસેથી હથિયારો મળ્યા છે પરંતુ ઠાર કરાયેલા આતંકવાદીઓની ઓળખ થઇ શકી નથી. સ્થાનિક ત્રાસવાદીઓના સંપર્કો પાકિસ્તાનમાં હોવાના અહેવાલ મળ્યા છે. બાતમી મળ્યા બાદ અનંતનાગ અને વાતેરગમમાં આ અથડામણ થઇ હતી.

(12:00 am IST)