Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ઇમરજન્સી ફંડ માટે એક કરોડ ડોલર આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણા

સાર્ક નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી : વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જુદા જુદા પાસા ઉપર ઉંડી ચર્ચા ઇમરજન્સી ફંડ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલું સૂચન

નવી દિલ્હી, તા. ૧૫  : કોરોના વાયરસનો સામનો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ઉપર આજે સાંજે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો-ઓપરેશન દેશોના પ્રમુખ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે એકબીજાની સામે આવ્યા હતા. આ ગાળા દરમિયાન વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ-૧૯ ઇમરજન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું. સાથે સાથે ભારત તરફથી આના માટે એક કરોડ ડોલર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓની માહિતી પણ આપવામાં આવી હતી. સાર્ક નેતાઓએ મોદીની આ પહેલ માટે આભાર માન્યો હતો. સાથે સાથે સરકારનો સાથે મળીને સામનો કરવાની તૈયારી દર્શાવી હતી. મોદીએ કહ્યું હતું કે, દુનિયાની ૨૦ ટકા વસ્તીવાળા સાર્ક દેશોમાં ઇન્ફેક્શનના મામલા ઓછા છે પરંતુ તમામ દેશો સાથે મળીને આગળ આવે તે જરૂરી છે. સાથે મળીને પડકારનો સામનો કરવાની જરૂર છે.

           મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસને હાલમાં જ ડબલ્યુએચઓ દ્વારા ડિઝાસ્ટર તરીકે જાહેર કર્યો છે. સાર્ક દેશોમાં કેસોની સંખ્યા ઓછી છે. આશરે ૧૫૦ કેસો જ નોંધાયેલા છે. અમારા લોકોથી લોકો વચ્ચેના સંપર્ક ખુબ સારા છે. એકબીજા સાથે ઉંડાણથી જોડાયેલા છે. સાર્ક દેશોના પ્રતિનિધિઓને સંબોધતા મોદીએ કોરોના વાયરસનો સામનો કરવા લેવામાં આવી રહેલા પગલા અંગે માહિતી આપી હતી. ગ્રેડેડ રિસ્પોન્સ મિકેનિઝમ પણ આમા સામેલ છે. જાન્યુઆરીથી ભારતમાં આવનાર લોકોની ચકાસણી થઇ રહી હતી. ધીમે ધીમે યાત્રા ઉપર પ્રતિબંધ મુકાયા હતા.

           ટીવી, પ્રિન્ટ અને સોશિયલ મિડિયા ઉપર જુદા જુદા અભિયાન ચાલી રહ્યા છે. જોખમી ગ્રુપ સુધી પહોંચવાના પ્રયાસ થઇ રહ્યા છે. બે મહિના પહેલા ચકાસણી માટે એક લેબ હતી જેની સંખ્યા હવે ૬૦ થઇ છે. ભારતે પોતાના ૧૪૦૦ નાગરિકોને એરલિફ્ટ કર્યા છે. પડોશી દેશોના નાગરિકોને પણ ખસેડ્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી, શ્રીલંકન પ્રમુખ ગોટાબાયા રાજપક્ષે, અફઘાનના પ્રમુખ અશરફ ગની, માલદીવના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, ભૂટાનના વડાપ્રધાન લોટે સેરીન, પાકિસ્તાન તરફથી આરોગ્યમંત્રી જફર મિર્ઝા સામેલ થયા હતા. શ્રીલંકામાં ૧૧ કેસ નોંધાયા છે.

(12:00 am IST)