Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

બંગાળમાં ચુંટણીના ધમધમાટ વચ્ચે મોહન ભાગવતે મિથુન ચક્રવર્તી સાથે કરી મુલાકાત : રાજકારણ ગરમાયુ

કોલકત્તા તા. ૧૬ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી છે. બંન્ને વચ્ચે આ મુલાકાત મુંબઈમાં થઈ છે. આરએસએસના વડા મોહન ભાગવત જાતે મંગળવારે સવારે મુંબઈમાં મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યા હતા. બંને વચ્ચેની આ બેઠક સવારે થઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મિથુન નાગપુર ગયો હતો અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેમણે મુંબઈમાં તેમના ઘરે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે જયારે બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ એક ચહેરો શોધી રહી છે, આવી સ્થિતિમાં આરએસએસ પ્રમુખ સાથે મિથુનની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જો કે, હાલમાં આ રાજકીય અટકળો છે.

નોંધનીય છે કે, બંગાળની ધરતીમાં જન્મેલા મિથુન દાની પ્રોફાઇલમાં ડિસ્કો ડાન્સરથી લઈને સામાજિક કાર્યકર અને રાજનેતા સુધીના અનુભવો સામેલ છે. તેઓ રાજયસભાના સાંસદ પણ રહી ચૂકયા છે. રસપ્રદ વાત એ છે કે તેમને તૃણમૂલ કોંગ્રેસે જ રાજયસભામાં મોકલ્યા હતા, જેમના ઘણા વરિષ્ઠ નેતાઓ હવે ભાજપમાં જોડાયા છે. જો કે બે વર્ષ બાદ મિથુને રાજીનામુ આપી દીધુ હતું.

(3:11 pm IST)