Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ડ્રાઇવીંગ કરતી વખતે ગુગલ મેપના ઉપયોગ બદલ ૫ હજારનો દંડ થઇ શકે !!

નવી દિલ્હી તા. ૧૬ : હાલના સમયમાં દરેક લોકો ગૂગલ મેપની મદદથી પોતાની મંજીલ સુધી સરળતાથી પહોંચી જાય છે. લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ હાથમાં લઈને ગૂગલ મેપનો ઉપયોગ તમારા ખીસ્સા હળવા કરી શકે છે.

ડ્રાઈવિંગ દરમ્યાન સામાન્યરીતે લોકો ગુગલ મેપ અથવા નેવિગેશનને ઓન કરે છે. તેનો એક ફાયદો એ થાય છે કે તમને રસ્તા વિશે જાણ થાય છે. તો જો રસ્તામાં કોઈ ટ્રાફિક હોય તો તમને પહેલાથી જ ખબર પડે છે. અને સમય રહેતા તમે બીજો રસ્તો શોઘી શકો છો. તમને જણાવી દઈએ કે, જો તમે મોબાઈલ ફોન હાથમાં લઈને નેવિગેશન યબઝ કરો છો તો તમારી ગાડીમાં ડેશબોર્ડ પર મોબાઈલ હોલ્ડર તરત જ લગાવી લો. જો એવુ નહિ કરો તો ટ્રાફિક પોલીસ તમારુ ચલાણ કાપી શકે છે.

હાલના દિવસોમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક શખ્સનું પોલીસે ચલાન કાપ્યું હતુ. કાર ચાલકે સામે સવાલ કર્યો કે તે કોઈની સાથે મોબાઈલ પર વાત નહોતો કરતો તો તેને કેમ દંડ ફટકારવામાં આવ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું કે, મોબાઈલ હોલ્ડર વિના ડેશબોર્ડ કે હાથમાં પડકીને ગૂગલ મેપનો ઉપયોગ કરવો ટ્રાફિક નિયમોની વિરુદ્ઘ છે. કારણ કે આવું કરવાથી ડ્રાઈવિગ કરવામાં ધ્યાન ભંગ થવાની આશંકા રહે છે. અને અકસ્માત પણ સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ કેસ લાપરવાહીથી ડ્રાઈવિંગની શ્રેણીમાં આવે છે. અને પોલીસે તે શખ્સની દલીલો સાંભળવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. અને તેનું ચલાણ પણ કાપ્યું હતું.

પોલિસે ચલણમાં દંડની કોલમમાં લખ્યું કે શખ્સ ગાડી ચલાવતા સમયે હાથમાં ફોન લઈને તેનો ઉપયોગ કરી રહ્યો છે. શખ્સ પોતાની ગાડીમાં મોબાઈલ હોલ્ડર નહીં લગાવ્યું અને હાથમાં ફોન લઈને ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલિસે કહ્યું કે, મોટર વ્હિકલ એકટમાં ડ્રાઈવિંગ દરમ્યાન ફોન પર વાત કરવા અને તેના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યાં જ હાથમાં ફોન પકડીને ગાડી ચલાવવાથી અકસ્માતનું જોખમ રહે છે. આ મામલામાં તે સેકશન હેઠળ ચલણ કાપવામાં આવ્યું છે

વાહન ચલાવતા સમયે સ્પીકર અથવા હેન્ડ્સ ફ્રી પર વાત કરવા માટે પણ ચલણની જોગવાઈ છે. સામાન્ય રીતે, ડ્રાઇવિંગ કરતી વખતે ફોન સ્પીકર ચાલુ કે હેન્ડસ ફ્રી પર વાત કરતા હોય છે. મોટર વાહન અધિનિયમ મુજબ તેમાં પણ ચલણ કાપવાની જોગવાઈ છે. પોલીસનું કહેવું છે કે વાહન ચલાવતા સમયે, કોઈપણ કાર્ય કે જેનાથી ધ્યાન ભંગ થાય તે તમામ ગુનાની શ્રેણી હેઠળ આવે છે. મોટર વાહન અધિનિયમના નિયમો અનુસાર આ શ્રેણીમાં અપરાધ કરવા પર ૧૦૦૦-૫૦૦૦ રૂપિયા સુધીના ચલણ કાપવાની જોગવાઈ છે.

(3:10 pm IST)