Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વાતચીત માટે વડાપ્રધાને આવવાની જરૂર નથી, તેઓ જેને મોકલશે તેની સાથે વાતચીત માટે અમે તૈયાર : રાકેશ ટિકૈત

ખેડૂતોને ન્યાય મળે તે મુખ્ય ધ્યેય હું કયારેય ચૂંટણી નહી લડુ : ખેડૂત નેતા

નવી દિલ્હી તા. ૧૬ : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રશ્ન પૂછ્યો કે શું અયોધ્યા માટે આંદોલન કરનારા લાલ કૃષ્ણ અડવાણી આંદોલનજીવી હતા? ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ત્રણેય કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવે. તેમણે કહ્યું કે, અમે દેશની નીતિ રસ્તાથી બદલીશું, સંસદથી નહીં. રાકેશ ટિકૈતને જયારે પૂછવામાં આવ્યું કે, શું તમારા આંસુઓએ સંપૂર્ણ રીતે આંદોલનને બદલી દીધું?

તેના પર રાકેશ ટિકૈતે કહ્યું કે, આ ખેડૂતના આંસુ હતા. ના એ ડરના આંસુ હતા, કે ના ખૌફના. એ ખેડૂતના આંસુ હતા. રાકેશ ટિકૈતે કહ્યું કે, ૨૬ જાન્યુઆરીના પોલીસની આગળ ગુંડાઓ હતા, એ લાકડીઓ ચલાવી રહ્યા હતા. પોલીસે જણાવવું જોઇએ કે પોલીસની બૈરિકેડિંગની અંદર લાકડીઓ લઇને કોણ પહોંચ્યું હતુ? રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે વાત કરીએ તો કોને કરીએ? અમને તો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. ટિકૈતે કહ્યું કે, અમને જમાત કહેવામાં આવ્યા છે, જમાત કોને કહે છે? આંદોલનજીવી કોને કહે છે? શું લાલ કૃષ્ણ અડવાણી જયારે અયોધ્યામાં ગયા તો તેઓ આંદોલનજીવી હતા? શું મુરલી મનોહર જોશી આંદોલનજીવી હતા? મહાત્મા ગાંધી, સરદાર ભગતસિંહ આંદોલનજીવી હતા?

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, જેમણે હિંસા કરી છે તેમના પર કાર્યવાહી થવી જોઇએ. જો સરકાર વાત નથી કરતી તો અમે અહીં જ રહીશું. જો કે તેમણે કહ્યું કે, વાતચીત માટે પીએમે આવવાની જરૂર નથી. તેઓ જેને પણ મોકલશે અમે તેની સાથે વાત કરવા માટે તૈયાર છીએ. રાકેશ ટિકૈતે કહ્યું કે, ગ્રેટા, દિશા અથવા રિહાના અહીંનો પ્રોગ્રામ નહીં બનાવે, અહીંનો પ્રોગ્રામ ખેડૂતો બનાવશે. તેમણે કહ્યું કે, તેણી ભારતની વિરુદ્ઘ નિવેદનબાજી ના કરી શકે.

જયારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે, ગ્રેટા કોણ છે? તો તેમણે કહ્યું કે, એ વૃક્ષો લગાવવાનું કામ કરે છે. ૨૦૨૨ની ચૂંટણી લડવાથી ઇનકાર કરતા તેમણે કહ્યું કે, અહીં કોઈએ વોટ શોધવા માટે ના આવવું જોઇએ. તેમણે કહ્યું કે, ચૂંટણીની બીમારીથી બિલકુલ દૂર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, તેઓ કયારેય ચૂંટણી નહીં લડે. રાકેશ ટિકૈતે કહ્યું કે, તેઓ જાટ નેતા નહીં, પરંતુ ખેડૂત નેતા છે.

(10:47 am IST)