Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પાકિસ્તાને પણ ભારતના ઉપ હાઇ કમિશ્નરને બોલાવતા તણાવમાં વધારો

ભારતે પાકિસ્તાનના ઉચ્ચાયુકત સોહેલ મહેમુદને ગઇકાલે બોલાવ્યા

ઈસ્લામાબાદ,તા.૧૬ : ભારતે ગઈકાલે નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયુકત સોહેલ મહેમુદને બોલાવ્યા બાદ પાકિસ્તાને પણ પુલવામામાં આતંકવાદી હુમલા અંગે તેના પર થઈ રહેલા આક્ષેપોને ફગાવી દઈને ભારતીય ઉપ હાઈકમિશ્નરને બોલાવતા આ મામલે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને આવુ પગલુ એવા સમયે ભર્યુ છે કે જ્યારે ભારતે નવી દિલ્હીમાં પાક. ઉચ્ચાયુકત સોહેલ મહેમુદને બોલાવ્યા હતા અને સીઆરપીએફના જવાનોના બલિદાનને લઈને કેટલીક ચેતવણી આપી હતી. વિદેશ સચિવ વિજય ગોયલે આ અંગે જણાવ્યુ હતુ કે પાકિસ્તાન જૈશ એ મહંમદ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. અને તેને તેમના વિસ્તારમાંથી સંચાલિત આતંકવાદને લગતા કોઈપણ જૂથ અથવા વ્યકિતને રોકવા જોઈએ.

જોકે આ અંગે પાકિસ્તાનના વિદેશ વિભાગના કાર્યાલય તરફથી કોઈ નિવેદન આપવામા આવ્યુ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ કાર્યાલયે ભારતીય ઉપ ઉચ્ચાયુકતને બોલાવ્યા છે. તેમજ ભારત તરફથી પુલવામાના હુમલા અંગે પાકિસ્તાન તરફથી થઈ રહેલા આક્ષેપને ફગાવી દેતા જણાવ્યુ હતુ કે ભારત તરફથી કરવામા આવતા આવા આક્ષેપ આધારવિહિન છે.

આ અંગે વિદેશ બાબતોના મંત્રાલયથી ભારતના રાજદૂતને બહાર નીકળતા દેખાડતી એક વીડિયો કિલપ સોશિયલ મીડિયામાં  ચાલી રહી છે.

આ અંગે વિદેશ કાર્યાલયના  પ્રવકતા મહંમદ ફૈઝલે ટિવટ કરી જણાવ્યુ કે પાકિસ્તાનના વિદેશ સચિવ તહમીના જંજુઆએ ગઈકાલે અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન તેમજ ચીનના રાજદૂતોને પુલવામાના હુમલા  અંગે જાણકારી આપી હતા અને  ભારત તરફથી થઈ રહેલા  આક્ષેપોને ફગાવી દીધા હતા. આમ ભારત અને પાકિસ્તાનના રાજદુતને લઈને પુલાવામા હુમલા અંગે જે વિવાદાસ્પદ  નિવેદન થઈ રહયા છે તેના કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતી વધે તેવી શક્યતા છે.(૯.૧૩)

(3:18 pm IST)