Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આતંકવાદ વિરૂધ્ધ સરકાર - વિપક્ષ 'હમ સાથ સાથ હૈ'

દિલ્હીમાં યોજાઇ સર્વપક્ષીય બેઠક : ગૃહમંત્રી રાજનાથે પુલવામાકાંડની આપી માહિતી : હુમલાને વખોડી કાઢતો ૩ સૂત્રી ઠરાવ પસાર : દેશની એકતા - અખંડતા માટે સૌ વચનબધ્ધ

નવી દિલ્હી તા. ૧૬ : પુલવામાં અંગે આજે દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઇ. આ બેઠકમાં ગૃહમંત્રીએ દરેક રાજનૈતિક પક્ષોના નેતાઓને પુલવામાં હુમલાની જાણકારી આપી. બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે, આખુ વિપક્ષ આ મામલે સેના અને સરકારની સાથે મજબૂતીથી ઉભું છે., બીજી બાજુ બેઠકની જાણકારી આપીને કહ્યું કે, સંસદીય કાર્યમંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, કાશ્મીરની સામાન્ય પ્રજા શાંતિ ઇચ્છે છે, તે પ્રજા દેશ સાથે ઉભી છે. રાજ્યમાં કેટલાક એવા તત્વો છે. જે સરહદ પારથી સમર્થિત ત્રાસવાદીઓની મદદ કરે છે, આવા લોકો કાશ્મીરના દુશ્મન છે. તે કાશ્મીરમાં શાંતિ ઇચ્છતા નથી. દેશ આતંક વિરૂધ્ધ નિર્ણાયક લડાઇ લડી રહ્યું છે. જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહિ.

તોમરે જણાવ્યું કે, બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, આપણે એક સાથે મળીને આતંકવાદને ઉખાડી ફેંકીશું. જમ્મુ - કાશ્મીરમાં શાંતિ સંપૂર્ણ રીતે સ્થાપિત થશે. અલ્ચ સુચના પર પક્ષોના નેતા આવ્યા તેમનો ગૃહમંત્રીએ આભાર વ્યકત કર્યો. દરેક દળોના નેતાઓએ મૌન રાખીને શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપી.

બીજી બાજુ કોંગ્રેસના નેતા આઝાદે કહ્યું અમે દેશની એકતા, અખંડતા માટે સરકાર અને સુરક્ષા દળોની સાથે છીએ. કાશ્મીર હોય કે દેશનો કોઇ ભાગ, કોંગ્રેસ પક્ષ ત્રાસવાદ વિરૂધ્ધ લડાઇમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપે છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, મેં ગૃહમંત્રીને અનુરોધ કર્યો છે કે, તેઓ પીએમને અમારા તરફથી કહે કે તેઓ દરેક રાષ્ટ્રીય અને ક્ષેત્રીય દળોના અધ્યક્ષોની બેઠક બોલાવીને વિચાર-વિમર્શ કરે. આ વાતનું અન્ય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે.

એક સરકારી નિવેદન મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં એક પ્રસ્તાવ પણ પસાર કર્યો. તેના હેઠળ ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલાની નિંદા કરાઇ. તેમાં થયેલા જવાનોના મોતના પગલે તેમના પરિવારજનો સાથે ઉભા છે અને સરહદ પારથી સમર્થન મળી રહેલા ત્રાસવાદના દરેક સ્વરૂપની નિંદા કરીએ છીએ. છેલ્લા ૩ દાયકાથી ભારત સરહદ પાર ત્રાસવાદનો સામનો કરી રહ્યું છે. ભારતમાં ફેલાયેલા ત્રાસવાદને સરહદ પારથી પ્રોત્સાહન મળી રહ્યું કે, ભારત આ પડકારોનું મળીને મુકાબલો કરી રહ્યું છે. આ લડાઇમાં સંપૂર્ણ દેશ એક સાથે છે.

બેઠકમાં ગૃહસચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના વરિષ્ઠ અધિકારી પણ હાજર હતા. સંસદ પરિષદમાં થયેલી આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા એનસીપીના નેતા શરદ પવાર, લેફના નેતા ડી. રાજા, શિવસેનાના સંજય રાઉત સહિત કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પણ હાજર હતા.(૨૧.૨૪)

(3:05 pm IST)