Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજનાથની શહીદ જવાનના શવને ખભો આપી શ્રદ્ધાંજલિ

હુમલા બાદ રાજનાથસિંહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા : એક સાથે ૪૨ જવાનોના મૃતદેહ તિરંગા ધ્વજમાં લપેટીને એક સાથે જ મુકાયા ત્યારે ભાવનાશીલ દૃશ્ય સર્જાઈ ગયા

શ્રીનગર, તા. ૧૫ : પુલવામામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને ગૃહમંત્રી રાજનાથસિંહે  સંપૂર્ણ રાજકીયરીતે શ્રદ્ધાંજલિ આપી હતી. બડગામમાં આ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ગુરુવારના દિવસે અવન્તીપોરામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ એક દાખલો બેસાડીને દેશપ્રેમની ભાવના દર્શાવી હતી. સાથે સાથે શહીદ જવાનના મૃતદેહને ખભો આપી શ્રદ્ધાંજલિ આપી હતી. તમામ શહીદોના મૃતદેહોને દિલ્હી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે જ્યાંથી તેમના વતન ગામમાં લઇ જવામાં આવશે. વડાપ્રધાન મોદી શ્રદ્ધાંજલિ આપવા વિમાની મથકે પહોંચી રહ્યા છે. ગુરુવારના દિવસે રાજનાથસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોઇને પણ છોડવામાં આવશે નહીં. બીજી બાજુ આજે જમ્મુ કાશ્મીર પહોંચ્યા બાદ રાજનાથસિંહે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીતનો દોર શરૂ કર્યો હતો. આજે રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં પહોંચ્યા ત્યારે તેમની સાથે અન્ય સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહે શહીદ જવાનોના પાર્થિવ શરીરને ખભો આપ્યો હતો તે ગાળામાં તેમની સાથે સેનાના નોર્થન કમાન્ડના ચીફ લેફ્ટી જનરલ રણવીરસિંહ પણ હતા. શ્રીનગરમાં તેમની સાથે રાજ્યપાલ સત્યપાલ મલિકા પણ ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે ૪૨ જવાનોના પાર્થિવ શરીર તિરંગા ધ્વજમાં લપેટીને મુકવામાં આવ્યા હતા. તે ગાળામાં જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એકબાજુ તાકિદે ઇમરજન્સીની બેઠક બોલાવી વાતચીત જારી રાખી છે.  સાથે સાથે જમ્મુ કાશ્મીરના તમામ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ સચિવોએ બેઠક યોજી છે.  બેઠકોના દોર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે પણ બેઠકોનો દોર હાથ ધર્યો છે જેમાં સીઆરપીએફ કાફલા પર કરાયેલા હુમલા બાદની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.  આજે બીજા દિવસે પણ યોજાયેલી આ બેઠકમાં ગૃહ સચિવ અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઉભી થયેલી સ્થિતિ ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.  પુલવામા હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઇ હતી.

(12:00 am IST)