Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

પૈગમ્બર સાહેબના પૂનિત પત્નિનું નામ ગીતમાં લેવા સામે મુંબઈમાં મુસ્લિમ સમાજ દ્વારા દેખાવો

પોતાની આંખોના નખરા સાથે રાતોરાત છવાઈ ગયેલી પ્રિયા વારિઅર અભિનિત ફિલ્મમાં : હૈદરાબાદમાં એફ.આઈ.આર. દાખલઃ નિર્દેશક, નિર્માતા બિનશરતી માફી માંગે તેવી રઝા એકેડેમીની ઉગ્ર માંગ

મુંબઈ, તા. ૧૬ :. પોતાની આંખો સાથે ચેનચાળા કરતી અને રાતોરાત ફિલ્મી જગતમાં છવાઈ ગયેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર ઉપર ફિલ્માંકન થયેલ મલયાલમ ભાષી ફિલ્મી ગીતમાં ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર સાહેબના પૂનિત ધર્મપત્નિ અને ઈસ્લામ ધર્મના મહાન માતાના નામ લેવા સામે મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે આજે શુક્રવારની નમાઝ પછી મુંબઈમાં મુસ્લિમોએ એકત્ર થઈ મીનારા મસ્જીદ પાસે મોટી માત્રામાં દેખાવો થયા હતા.

પોતાની આંખો સાથે ચેનચાળા કરતી પ્રિયા પ્રકાશનો વીડિયો રાતોરાત વાયરલ થતા તેણીના પ્રસંશકોની સંખ્યા લાખોમાં પહોંચી છે. મંગળવારે રિલીઝ થયેલો તેણીનો નવો વિડીયો પણ ઝડપી લોકપ્રિય બની રહ્યો છે. બે કલાકમાં તે ૫૦ લાખથી વધુ લોકો સુધી પહોંચી ગયો છે.

૧૮ વર્ષીય પ્રિયાની પ્રથમ ફિલ્મ 'ઓરા અદાર લવ'નું આ ગીત છે. આ ફિલ્મ ૩ માર્ચ ૨૦૧૮ના રોજ રિલીઝ થશે.

પ્રિયા પ્રકાશ વારિયરનો ઈન્ટરનેટ પર વાયરલ થયેલો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે વીડિયોના ગીતના શબ્દોને લઈ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. પ્રિયાના આ ગીતને મુસ્લિમ વિરોધી ગણાવી હૈદરાબાદના કેટલાક યુવાઓએ તેના વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. મુસ્લિમ યુવાઓ દ્વારા નોંધાવવામાં આવેલ એફઆઈઆરમાં ગીતને ધર્મ વિરૂદ્ધ ગણાવવામાં આવ્યું છે. આ ગીતને લઈ પ્રિયાની મુશ્કેલીઓ વધી છે.

હૈદરાબાદના એસીપી ફલકનુમા સઈદ ફૈયાઝે જણાવ્યું કે, એક વ્યકિતએ ફિલ્મ 'ઉરૂ અદાર લવ'ના નિર્દેશક ઓમર લૂલૂ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. એફ.આર.આઈ.માં દાવો કરવામાં આવ્યો છે કે, આ ગીત મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનારૂ છે. આ મામલે સેકશન ૨૯૫-એ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ગીત મોહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) અને તેમના પત્નિ બીબી ખદીજા (રદી)ના જીવન વિશે છે. એ જ કારણ છે કે આ ગીતને મોહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)નું અપમાન ગણવામાં આવે છે. ગીતમાં રહેલા 'માણિકય મલરાયા પુવી'નો અર્થ એ થાય છે કે 'મોતી ફુલની જેમ એક મહિલા' જ્યારે બીજી લાઈન ગીતની એવી છે કે, 'મહાથિયામ કા ખદીજા બીવી' જેનો અર્થ એવો થાય છે 'આ રહ્યા મહારાણી ખદીજા બીવી' આવા શબ્દોવાળા ગીતના વિવાદ પર ફિલ્મના ડાયરેકટર અને ખુદ પ્રિયાએ સ્પષ્ટતા કરવા આગળ આવવું પડયુ હતું. ફિલ્મ નિર્દેશકે કહ્યું કે, આ ગીત ઈસ્લામ વિરોધી નથી પરંતુ મોહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની પ્રસંશા કરવામાં આવી છે.

દરમિયાન મુંબઈ સ્થિત મુસ્લિમ સંગઠન રઝા એકેડમીએ મલયાલમ ગીત પર પ્રતિબંધ મુકવા કમિશનરને લેખીતમાં જણાવ્યું છે. રઝા એકેડમીના જનરલ સેક્રેટરી એમ સઈદ નૂરીએ કમિશનર દત્તાત્રેય પડસાલગીકરને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, મલયાલમ ભાષામાં લખાયેલ આ ગીતના શબ્દો ઈસ્લામ ધર્મના પવિત્ર પયગમ્બર અને તેમની પવિત્ર પત્નિના નામ પર છે જે વાંધાજનક છે. સંગઠનની ફરીયાદ પર સંબંધીત વિભાગ દ્વારા ત્વરીત પગલા લઈ કાર્યવાહી કરવામાં આવે અને આ વિડીયો પર પ્રતિબંધની માંગ છે. ભવિષ્યમાં દેશમાં અરાજકતા અને શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહેલ કોઈપણ પ્રકારની પ્રવૃતિ અને વીડિયો પર પણ પ્રતિબંધ કરવાની સંગઠને પત્રમાં માંગ કરી હતી. જ્યારે હૈદરાબાદના મોહમ્મદ અબ્દુલ બારી, એસીપી ફલકનુમાએ પોલીસને જણાવ્યુ કે, આ કેસમાં આગળ વધતા પહેલા ઈસ્લામિક વિદ્વાનોનું મંતવ્ય લેવામાં આવે. ગીતમાં જો કંઈ વાંધાજનક છે તો તેઓ ભાષા નિષ્ણાતો પાસે મલયાલમ ગીતનું ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવશે.

જ્યારે રઝા એકેડેમી મુંબઈએ આ ગીતને ફિલ્મમાંથી કાઢી નાખવા અને ડાયરેકટર, પ્રોડયુસર બિનશરતી માફી માંગે તેવો સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે. આ ફિલ્મના ડાયરેકટર ઉમર લૂલૂ, સંગીતકાર શાન રહેમાન અને પ્લેબેક સિંગર વિનીત શ્રીનિવાસ છે.

રઝા એકેડમીના સેક્રેટરી સઈદ નૂરીએ ૧૯૪૫માં કેરાલામાં પૈગમ્બર સાહેબ અને તેઓના ધર્મપત્નિ વિશે એક કાવ્ય બનાવવામાં આવેલ અને તેનુ કેરાળામાં મુસ્લિમો દ્વારા ખૂબ જ પઠન થતું આવ્યુ છે પરંતુ હવે તેને એક ફિલ્મમાં લેવામાં આવ્યુ છે પણ ધર્મનિતી અનુસાર તેનો ફિલ્મમાં ઉપયોગ કરી શકાતો નથી અને   તેની છૂટ   આપી શકાતી નથી.

(3:52 pm IST)