Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ટ્રેનમાં મહિલાઓની સલામતી માટે 'પેનીક બટન' લગાવોઃ મેનકા ગાંધી

નોકરીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની પણ તરફેણ : નિર્ભયા ફંડ અંતર્ગત રેલ્વેને ફાળવાયેલા ૧પ૦ કરોડમાંથી જરૂરી કાર્યો ઝડપી પુરા કરોઃ રેલમંત્રીને મેનકાનો પત્ર

નવી દિલ્હી તા.૧૬ : ટ્રેનોમાં મહિલાઓ સાથે બની રહેલી ઘટનાઓથી ચિંતિત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ રેલ્વે મંત્રી પીયુષ ગોયલને પત્ર લખી કેટલાક સુઝાવ આપ્યા છે. મહિલાઓની સલામતી માટે ટ્રેનના ડબાઓમાં પેનીક બટન ઉપલબ્ધ બનાવવાનુ સુચન મહત્વનુ છે.

ટ્રેનમાં વુમેન હેલ્પ ડેસ્ક બનાવવો કે જેને લઇને મહિલાઓ પોતાની ફરિયાદ ત્યાં કરી શકે. મેટ્રો ટ્રેનોની માફક ડબાની અંદર માઇક અને સ્પીકરવાળી સિસ્ટમ લગાવો, ચાલતી ટ્રેનોમાં અવાર-નવાર મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ નથી થઇ શકતુ આવા સંજોગોમાં જે જે બેલ્ટમાં નેટવર્ક કટ થાય છે તેવા બેલ્ટ શોધી કાઢી મોબાઇલ નેટવર્ક સતત ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા ગોઠવવા પણ કહેવાયુ છે.

આ ઉપરાંત નિર્ભયાકાંડ અંતર્ગત રેલ્વેની ફાળવાયેલી ૧પ૦ કરોડની ગ્રાન્ટમાંથી ઉપર મુજબના જરૂરી કામો તાત્કાલિક પુરા કરવા જોઇએ તેવુ તેમનુ કહેવુ છે. અત્યારે માત્ર મેટ્રોસીટીની ટ્રેનોમાં મહિલા સ્પેશ્યલ કોચની વ્યવસ્થા છે જેનો વ્યાપ વધારવો જોઇએ. ૧૮ર અને ૧૩૮ નંબર ઉપર ઉપલબ્ધ મહિલા હેલ્પલાઇન અંગે જાગૃતિ ફેલાવવી જોઇએ. નોકરીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની પણ તેમણે તરફેણ કરી છે.

(3:40 pm IST)