Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

હિમાચલમાં ગાત્રો થીજવતી ઠંડીઃ દિલ્હીમાં હળવો વરસાદઃ કાશ્મીરમાં હજી એક દિવસ બરફવર્ષાની ચેતવણીઃ શ્રીનગર એરપોર્ટની ફલાઈટો રદ્

નવી દિલ્હીઃ દેશભરના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે તો કયાંક હળવા વરસાદથી ઠંડી વધવાની શકયતા છે. સાથે જ મેદાની વિસ્તારોમાં પણ શીતલહેરથી ઠંડીનો પ્રકોપ યથાવત છે. દિલ્હીમાં શીત લહેર અને ધુમ્મસ છવાયેલ રહેલ. દિલ્હી- એનસીઆરમાં પ્રદુષણનું સ્તર પણ ખરાબ સ્થિતિમાં છે. યુપીના મોટાભાગના વિસ્તારોમાં પણ ઠંડી કહેર વરસાવી રહી છે. હવામાનમાં સતત બદલાવથી ઠંડી વધવાની શકયતા છે. જમ્મુ- કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડો ઉપર બરફવર્ષા ચાલુ છે. જેનાથી પર્યટકોની સંખ્યા પણ વધી રહી છે.

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. પ્રદેશમાં શીતલહેરની સ્થિતિ બરકરાર છે જેથી કડકડતી ઠંડી છે. એટલું જ નહી કુફરી અને મનાલીમાં તાપમાન શૂન્યથી નીચે છે. લાહૌલ સ્પિતિમાં માઈનસ ૮ ડિગ્રી તાપમાન નોંધાયેલ. હવામાન ખાતાએ આજે તા.૧૬ થી તા.૨૧ સુધી બરફવર્ષાનું એલર્ટ અપાયુ છે.

ઠંડીના પ્રકોપ વચ્ચે કયાંક વરસાદ તો કયાંક શીત લહેર છે. ટીહરી, નૈનીતાલ અને ઉધમસિંહનગરમાં શીતલહેરથી લોકો પરેશાન બન્યા છે. હવામાન વિભાગે વધુ ઊંચાઈ વાળા વિસ્તારો શીતલહેરની છે. ચપેટમાં આવી શકવાની ચેતવણી આપી છે. ઉપરાંત ૨૪ કલાકમાં ભારે વરસાદની પણ સંભાવના દર્શાવી છે, જેથી ઠંડીમાં પણ વધારો થશે.

ઉત્તરાખંડમાં કેટલાય દિવસોથી બરફવર્ષા થઈ રહી છે. હવામાન ખાતાએ ઉત્તરાખંડમાં આવતા બે દિવસમાં ભારે બરફવર્ષાની ચેતવણી આપી છે. જેમાં ચમોલી, પિર્થોરાગઢ, રૂદ્રપ્રાયગ અને ઉત્તરકાશીમાં ભારે બરફવર્ષાનું એલર્ટ આપ્યુ છે. સતત હીમવર્ષા સ્થાનીકો માટે મુસીબત બની છે.

કાશ્મીરમાં ભીષણ ઠંડી અને શીતલહેર  સતત ચાલુ છે. હજી ૨૪ કલાક બરફવર્ષાનું અનુમાન હવામાન ખાતાએ લગાડયુ છે. જમ્મુ- કાશ્મીરમાં સતત બરફવર્ષા અને ખરાબ હવામાનના કારણે શ્રીનગર એરપોર્ટની તમામ આવતી- જતી ફલાઈટો રદ્ કરવામાં આવી છે. હવામાન ખાતાએ બરફવર્ષા ચાલુ રહેવાની ચેતવણી આપી છે. હિમવર્ષાથી જનજીવન ખોરવાયું છે. તંત્ર દ્વારા રાહત કાર્ય શરૂ કરી દેવાયું છે.

બીજી તરફ રાજધાની દિલ્હી- એનસીઆર સહીત આખા ઉત્તર ભારતમાં ઠંડીથી રાહત મળતી નથી દેખાતી. દિલ્હીમાં આજે ગુરૂવારે શીત લહેર અને ધુમ્મસ છવાયુ હતુ. દિલ્હીની હવા સતત ખરાબ ચાલી રહી છે. ઠંડી એટલી છે કે લોકોએ ઘરમાં જ રહેવું પડે તેવી સ્થિતિ છે. સવારથી દિલ્હીના કેટલાય વિસ્તારોમાં હળવો વરસાદ પડેલ. જે આજે આખો દિવસ રહેશે તેમ હવામાન ખાતાએ જણાવેલ. વરસાદના કારણે ઠંડીનો પારો ૮ ડિગ્રીએ નોંધાયેલ.

(3:44 pm IST)