Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

પ્રજાસત્તાક દિવસની આસપાસ હુમલાની યોજના : આઇએસઆઇ ત્રાસવાદી અને પાકિસ્તાની ઘુસણખોરોને સ્વિમિંગ અને ડાઇવિંગની ટ્રેનિંગ આપી રહી છેઃ અહેવાલ

નવી દિલ્હી,તા. ૧૬ કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઘુસણખોર કરાવવા માટેના નાપાક પ્રયાસોની સાથે સાથે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ત્રાસવાદીઓને હવે દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા માટેની તાલીમ પણ આપ રહી હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓને હાથ લાગેલા ચોક્કસ ઇનપુટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ત્રાસવાદીઓ અને પાકિસ્તાની ઘુસણખોરોને સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગની ટ્રેનિંગ પણ આપી રહી છે. સાથે સાથે કાશ્મીરમાં સુરક્ષા દળોનો સામનો કરવા માટે  ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. કાશ્મીરમાં ત્રાસવાદીઓ સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને બ્લાસ્ટ પણ કરી શકે છે. આ પ્રકારની ગુપ્ત માહિતી હાથ લાગ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાથે સાથે સુરક્ષા દળોને વધારે એલર્ટ કરવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ ત્રાસવાદીઓ જેલમાં રહેલા એક ખતરનાક ત્રાસવાદીને છોડાવવા માટે યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ સંસ્થાઓએ ચેતવણી આપતા કહ્યુ છે કે ત્રાસપવાદીઓ દરિયાઇ માર્ગનો ઉપયોગ કરીને હુમલા કરી શકે છે. ક્રિક વિસ્તારમાં પાકિસ્તાન મરીન ત્રાસવાદીઓને ખતરનાક તાલીમ આપવામાં વ્યસ્ત છે. ટેકનોલોજીનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે તે અંગે પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ ખતરનાક હુમલાના ભાગરૂપે ઇન્ડિયન પોસ્ટ, કાર્ગો શિપ અને ઓઇલ ટેન્કર્સને ટાર્ગેટ બનાવી શકે છે. એવી માહિતી પણ મળી છે કે પાકિસ્તાનની આઇએસઆઇ હુમલો કરવા માટે પકડી પાડવામાં આવેલી ભારતીય  નોકાઓનો ઉપયોગ કરી શકે છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ આ સ્પેશિયલ ઇનપુટ ગુજરાત એસઆઇબી, પોલીસ અને ગૃહ મંત્રાલય સાથે વહેચવામાં આવ્યા છે. કાશ્મીરમાં સક્રિય રહેલા અને હાલના વર્ષોમાં ફ્લોપ સાબિત થઇ રહેલા જેશના ત્રાસવાદીઓ સુરક્ષા દળોના કાફલા પર હુમલો કરવા માટે આઇઇડી અટેક કરી શકે છે. આની સાથે અબુ મુસેબ નામના કુખ્યાત પાકિસ્તાની ત્રાસવાદી અંગે માહિતી મળી છે. આ ત્રાસવાદી આઇઇડી એક્સપર્ટ તરીકે છે. આ ત્રાસવાદી ગ્રુપની પાસે મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી રહેલી છે. ગુપ્ત અહેવાલ એવા પણ મળ્યા છે કે ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના ત્રાસવાદી શ્સુલ વકારને જેલમાંથી મુક્ત કરાવવાના પ્રયાસ કરી શકે છે. સ્થિતિને ધ્યાનમાં લઈને સુરક્ષા સંસ્થાઓએ તમામ જિલ્લાઓમાં સેના, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને એલર્ટ ઉપર મુકી દીધા છે. કાશ્મીર ખીણની અંદર સક્રિય આતંકવાદીઓ હુમલા કરવાના પ્રયાસમાં છે જ્યારે બીજી બાજુ ઘુસણખોરીના પ્રયાસ પણ વધી ગયા છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો સામે બેવડા મોરચે મોટા પડકાર ઉભા થઈ ગયા છે.ત્રાસવાદીઓ દ્વારા સ્થિતી ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના પરિણામે ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. એક પછી એક ટોપ ત્રાસવાદીઓેને ઠાર કરવામાં આવી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ત્રાસવાદીઓ જોરદાર હુમલા કરી શકે છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ અનેક વખત પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી રહી છે. જો કે ભારતીય જવાનોએ આને નિષ્ફળ બનાવી દીધી છે. આ વખતે ફરી એકવાર પ્રજાસત્તાક દિવસે હુમલા કરવાના પ્રયાસો કરવામાં આવી શકે છે. ત્રાસવાદીઓ આના માટે જુદા જુદા વિકલ્પો પર કામ કરી રહ્યા હોવાના હેવાલ મળ્યા છે. બીજી બાજુ સુરક્ષા દળો હાલમાં પોતાની રીતે એલર્ટ થયેલા છે. તેમની સાવધાનીના કારણે હાલમાં કેટલાક ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

(3:44 pm IST)