Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મોબાઇલ રીચાર્જના ભાવ વધતા કંપનીઓએ ગ્રાહકોનો બેઇઝ જાળવી રાખવા કસી કમ્મર

નેટ ફલીકસ પોતાનો ગ્રાહક બેઇઝ રપ ટકા વધારવાની ગણતરીએ આગળ ચાલી રહી છેઃ કંપનીઓ ભારતીય કથાનક અને સ્પોર્ટસ ઉપર ખાસ કરી ક્રિકેટ પર વધુ આકર્ષક ફિલમો-શો પીરસશે

નવી દિલ્હી, તા., ૧૬: મોબાઇલ ફોન ઉપર વિડીયો જોવાનું મોંઘુ કરવાવાળી ટેલીકોમ કંપનીઓના રિચાર્જ પ્લાનથી એવો પ્રશ્ન ઉઠી રહયો છે કે આવુ મનોરંજન ઉપલબ્ધ કરાવવાવાળી કંપનીઓ સાથે ડીજીટલ એન્ટરટેઇનમેન્ટના શોખીન ગ્રાહકો પર શું અસર પડશે? ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વેબ શો અને ફિલ્મો મોબાઇલ ઉપર જોવાનું ચલણ વધ્યું છે. આમાં નેટફલીકસ એપલ, હોટ સ્ટાર, એમેઝોન જેવી વિદેશી અને કેટલીક ભારતીય પ્રોડકશન કંપનીઓની ભુમીકા મહત્વની રહી છે. નેટફલીકસની રણનીતી હવે એવા વિષયો અને સામગ્રી ઉપર જોર દેવાની છે કે જેમાં વધારે ભારતીયતા ઝળકતી હોય.

ડીજીટલ એન્ટરટેઇનમેન્ટ સાથે જોડાયેલી  કંપનીઓ બે જાતની રણનીતીથી ગ્રાહકોને લલચાવવાની કોશીષ કરી રહી છે. આ કંપનીઓ કિંમતોને આકર્ષક (સસ્તી) બનાવી રહી છે. બીજી બાજુ ભારતીયતાથી ભરપુર મનોરંજન વધુમાં વધુ પીરસવામાં આવશે જેને લઇને ગ્રાહકો મોબાઇલ સાથે ચોંટી રહે. નેટફલીકસના ચીફ એકઝીકયુટીવ ઓફીસર રીડ હેસ્ટીંગ્સનું કહેવું છે કે, તેમની કંપની વધુમાં વધુ ભારતીય કન્ટેન્ટવાળી સ્થાનીક ફિલ્મો અને ટીવી શો બનાવવા માટે લગભગ ૩૦ અબજ રૂપીયા ખર્ચશે. બીજી બાજુ  ડીઝનીના હોટ સ્ટાર ખેલ પ્રેમીઓને આકર્ષવા માટે સ્પોર્ટસથી જોડાયેલા એકસકલુસીવ શો ઉપર પણ ફોકસ કરવામાં આવશે. ખાસ કરીને ક્રિકેટ ઉપર વધુ ધ્યાન દેવામાં આવશે. ભારતીયોની ક્રિકેટ પ્રત્યેની દિવાગની બહુ જાણીતી છે.

એપલ પોતાના ટીવી પ્લસ માટે ભારતથી જોડાયેલી સીરીઝ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. બેસ્ટ સેલીંગ નોવેલ શાંતારામ ઉપર તેઓ ધ્યાન દઇ રહયા છે. આ નોવેલના કથાનકમાં ઓસ્ટ્રેલીયાના બેંક લુંટારા છે. જેઓ જેલમાંથી ભાગીને મુંબઇની ગંદી ઝુંપડપટ્ટીઓમાં પહોંચી જાય છે.

હજુ સુધી સસ્તા બ્રોડબેન્ડ પ્લાનના કારણે ફિલ્મો પરત્વેની દિવાનગી અને અંગેજી તરફ આકર્ષાયેલા દર્શકોના કારણે ડીજીટલ સ્ટ્રીમીંગથી જોડાયેલી કંપનીઓને ભારતીય ગ્રાહક ફાયદાનો સોદો લાગી રહયા છે. નેટફલીકસ ભારતમાં પોતાના ગ્રાહકો રપ ટકા વધારવાના લક્ષ્ય સાથે આગળ ચાલી રહી છે.

(3:38 pm IST)