Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

યુએસએમાં શીખોની અલગથી વસતી ગણતરીઃ અલગ કોડ આપશે

નવીદિલ્હીઃ દરેક દેશમાં અમુક વર્ષો પછી વસતી ગણતરી થતી હોય છે તેમ આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦માં અમેરિકામાં પણ વસતી ગણતરી થશે. રિપોર્ટ મુજબ એમ કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં થનારી ૨૦૨૦ની વસતી ગણતરીમાં શીખોની પણ ગણતરી કરવામાં આવશે અને તેમને એક અલગ કોડ પણ આપવામાં આવશે જેથી શીખોની વસતી ગણતરી સ્પષ્ટ અને સારી રીતે થઇ શકે.

અમેરિકામાં આ વર્ષની વસતી ગણતરીમાં (૨૦૨૦ Census) શીખ સમુદાયને પહેલીવાર બીજી જાતિના સમૂહમાં ગણવામાં આવશે. સેન ડિએગોના શીખ સમુદાયના અધ્યક્ષ બલજીત સિંહે જણાવ્યું હતું કે, શીખ સમુદાયને તેમના પ્રયાસોનું ફળ મળી ગયું છે. આનાથી અમેરિકામાં રહેતા માત્ર શીખ સમુદાય જ નહીં, પરંતુ અન્ય જાતિઓના સમૂહો માટે પણ આગળ વધવાનો અવસર છે.

તમને જણાવી દઇએ કે, યુનાઇટેડ શીખ સમુદાયનું પ્રતિનિધિ મંડળ ઘણી વખત અમેરિકી વસતી ગણતરી વિભાગને મુલાકાત કરતું રહે છે. ૫ જાન્યુઆરીએ શીખ સમુદાયે ફરી એકવાર સેન ડીએગોમાં વસતી ગણતરી વિભાગ સાથે મુલાકાત કરી હતી. યુનાઇટેડ શીખ સંગઠનના કહેવા અનુસાર હાલના સમયમાં અમેરિકામાં લગભગ ૧૦ લાખ શીખો વસવાટ કરે છે.

યુનાઇટેડ શીખ નામના સંગઠને કહ્યું હતું કે, આ પહેલીવાર એવું થશે કે અમેરિકાની વસતી ગણતરીમાં લઘુમતી સમુહની અલગથી વસતી ગણતરી કરવામાં આવશે અને તેને અલગ કોડ મળશે. નાયબ નિયામકે કહ્યું હતું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકામાં શીખોની સ્પષ્ટ ગણતરી માટે એક અલગ કોડની જરૂરિયાત પડશે.

(3:38 pm IST)