Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

અફઘાનમાં પણ પ્રચંડ હીમવર્ષાઃ ૧૩૦ મોતઃ અનેક ગામ તબાહ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષા, હિમપ્રપાત અને પૂરમાં ૧૩૦ કરતાં વધુ લોકોનાં મોત થયાં છે. ભારે હિમવર્ષાના કારણે સેંકડો લોકો અટવાઇ પડયાં છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર પાકિસ્તાનમાં વિષમ હવામાનના કારણે ઓછામાં ઓછા ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે અને ૭૬ને ઇજા પહોંચી છે. સંખ્યાબંધ લોકો હિમપ્રપાતમાં લાપતા બન્યા છે. સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની છે. અહીં વિવિધ હવામાનલક્ષી દુર્ઘટનાઓમાં ૬૨ લોકો માર્યાં ગયાં છે અને ૧૦ અન્ય લાપતા છે. નીલમ વેલીમાં ભારે હિમવર્ષાને કારણે થયેલા હિમપ્રપાતમાં એક ગામ દટાઇ જતાં ઓછામાં ઓછા ૧૯ લોકો દટાઇને માર્યા ગયાં હતાં. નીલમ ઘાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં હિમસ્ખલનમાં ૧૫ ગામ દટાઇ ગયાં હતાં. જેમાં ૪૫ મકાનનો સંપૂર્ણ નાશ થયો હતો. ઓછામાં ઓછા ૫૭ લોકોનાં મોત થયાં હતાં અને સંખ્યાબંધ લાપતા બન્યાં હતાં.

ભારે હિમવર્ષાને કારણે પીઓકેમાં ઠેરઠેર ભૂસ્ખલનથી સડકો બંધ થઇ ગઇ છે અને લોકો દેશના અન્ય ભાગોથી વિખૂટાં પડી ગયાં છે. સત્તાવાળાઓએ શાળા-કોલેજો બંધ કરી દીધાં છે. સંખ્યાબંધ હાઇવે અને સડકો પણ બંધ કરી દેવાયાં છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગંભીર હિમવર્ષા અને જમીનો ધસી પડવાના કારણે પીઓકેમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હવામાનને લગતી દુર્ઘટનાઓમાં ૩૧ લોકોનાં મોત થયાં હતાં.

અફઘાનમાં ૩૦૦ કરતાં વધુ મકાનોનો નાશ, છતો તૂટવાના કારણે મોટાભાગનાં મોત

અફઘાનિસ્તાનમાં પણ ભારે હિમવર્ષા, હિમસ્ખલન અને ભૂસ્ખલનમાં ૩૯ લોકો માર્યા ગયાં છે. નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહમદ અઝિમીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં ૩૦૦ કરતાં વધુ મકાનોનો નાશ થયો છે. મોટાભાગનાં મોત ભારે હિમવર્ષાના કારણે છતો તૂટી પડવાનાં કારણે થયાં છે. ભારે હિમવર્ષાની સૌથી વધુ અસર કંધહાર, હેલમન્ડ, ઝાબુલ અને હેરાત પ્રોવિન્સમાં થઇ છે. હેરાતમાં એક મકાન તૂટી પડતાં સાત સભ્યોનો આખો પરિવાર દટાઇ મર્યો હતો.

(3:37 pm IST)