Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પેટન્ટ જગતમાં ભારતની દયાજનક સ્થિતિઃ ટોપ હન્ડ્રેડમાં એકપણ ભારતીય કંપની નથી

 નવી દિલ્હી : રિસર્ચ, ઇનોવેશન અને વિકાસને મોરચે ભારતનો રેકર્ડ ખૂબ દયનીય છે. અમેરિકા દ્વારા વર્ષ ૨૦૧૯ દરમિયાન આપવામાં આવેલી પેટન્ટ મેળવી ચૂકેલી ટોચની ૧૦૦ કંપનીમાં ભારતની એકપણ કંપની નથી. તે યાદીમાં અમેરિકા અને જાપાનનો દબદબો છે, તો ચીન હજી ઊભરતો સિતારો છે. વિટંબણા એ છે કે ટોપ ૧૦૦ કંપનીઓની યાદીમાં એકપણ ભારતીય કંપની નથી, પરંતુ પેટન્ટ પ્રાપ્ત કરનારી મોટાભાગની ટોચની કંપનીના મહત્ત્વના પદ ભારતીય સંભાળી રહ્યા છે. દાખલા તરીકે આઇબીએમમાં કામ કરનારા ભારતીય સંશોધકોએ અંદાજે ૯૦૦ પેટન્ટ પ્રાપ્ત કરેલી છે. આઇબીએમ વીતેલા ૨૭ વર્ષથી આ યાદીમાં ટોચનું સ્થાન સંભાળી રહી છે. વર્ષ ૨૦૧૯માં આપવામાં આવેલી અમેરિકી પેટન્ટ પૈકી ૧૬ ટકા કંપની જાપાનની તો ૭ ટકા કંપની દક્ષિણ કોરિયાની છે. ચીની કંપનીએ પણ પોતાની ભાગીદારી પાંચ ટકા કરી દીધી છે. યાદીમાં ચીન હવે ઊભરતો સિતારો છે. વર્ષ ૨૦૧૮ને મુકાબલે ચીને પોતાની પેટન્ટ સંખ્યામાં ૩૫ ટકા વધારો કર્યો છે, અને તેણે આ મુદ્દે જર્મનીને પાછળ રાખી દીધું છે. ટોપ ૧૫ પેટન્ટમાં ચીનની બે કંપનીઓનો સમાવેશ થાય છે. તેમાં હુવાવે ટેકનોલોજી અને બીઓઆઇ ટેકનોલોજી ગ્રુપનો સમાવેશ થાય છે. હુવાવેએ કુલ ૨૪૧૮ અને બીબીઓઆઇએ ૨૧૭૭ પેટન્ટ પ્રાપ્ત કરી છે.

 આઇએફઆઇ કલેમ્સ પેટન્ટ સર્વિસીઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૯ માટેની આઇએફઆઇની ટોપ ૫૦ પેટન્ટના રેન્કિંગ મુજબ તેમાં આઈબીએમ સૌથી આગળ છે. તેણે કુલ ૯૨૬૨ પેટન્ટ મેળવી છે. વર્ષ ૨૦૧૯ને મુકાબલે ૨ ટકા પેટન્ટ વધુ મેળવી છે. તે પછીના સ્થાને સેમસંગ ઇલેકટ્રોનિકસનો આવે છે. તેણે ૬૪૬૯ પેટન્ટ મેળવેલી છે. જાપાની કંપની કૈનન ત્રીજા, માઇક્રોસોફ્ટ ચોથા તો ઇન્ટેલ કોર્પ પાંચમા સ્થાને છે. 

(3:36 pm IST)