Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

LICની '૨૦૨૦ હોમ લોન ઓફર', ૬ મહિના EMI ભરવામાંથી મળશે મુકિત

મુંબઇ, તા.૧૬: LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે ઘણી સુવિધાઓ સાથે બમ્પર હોમ લોન ઓફર લોન્ચ કરી છે. '૨૦૨૦ હોમ લોન ઓફર' નામથી આ યોજના બુધવારે લોન્ચ કરી દેવાઈ છે. જે અંતર્ગત અંડર કન્સ્ટ્રકશન ફ્લેટ્સ અને ઓકયુપેન્સી સર્ટિફિકેટ સાથે રેડી-ટુ-મૂવ ઘર માટે લોન આપવામાં આવશે. અંડર કન્સ્ટ્રકશન ફ્લેટ્સ માટે ગ્રાહક પજેશન મળ્યા બાદ અથવા લોન મળ્યાના ૪૮ મહિના બાદ (જે પણ પહેલા હોય) હપ્તો આપવાનું શરૂ કરી શકે છે. આ દરમિયાન તેમણે માત્ર વ્યાજ આપવાનું રહેશે.LICની આ યોજના બુધવારે લોન્ચ થઈ ગઈ છે અને ૨૯ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ માટે ગ્રાહકોએ ૧૫ માર્ચ સુધીમાં લોન લઈ લેવાની રહેશે. બીજી યોજના રેડી-ટુ-મૂવ ઘરો માટે છે. જેમાં કંપની ૬ મહિનાના EMI માફ કરશે.

રેડી-ટુ-મૂવ દ્યરોવાળી યોજના અંતર્ગત પાંચમાં, ૧૦માં અને ૧૫માં વર્ષમાં બે-બે EMI માફ કરવામાં આવશે. આ માટે શરત હશે કે ગ્રાહક સમય પર EMI ચૂકવતો રહે અને ૫ વર્ષની અંદર કોઈ લોન પ્રી-પેમેન્ટ નહીં કરે. કંપનીના MD સીઈઓ સિદ્ઘાર્થ મોહંતીએ કહ્યું કે, આ યોજના ઘર ખરીદનારા સાથે રિયલ એસ્ટેટ સેકટર માટે પણ લાભદાયી છે.

પ્રોસેસિંગ ફીની વાત કરીએ તો એક કરોડ રૂપિયા સુધીની લોન લેવા પર રકમના ૦.૨૫ ટકા સુધીની પ્રોસેસિંગ ફી આપવાની રહેશે. આ રકમ વધુમાં વધુ ૧૦,૦૦૦ રૂપિયા (GST સાથે) હશે. જયારે એક કરોડથી ૫ કરોડ રૂપિયા સુધીની લોન પર ૦.૨૫ ટકા પ્રોસેસિંગ ફી હશે, જે વધુમાં વધુ ૨૫,૦૦૦ રૂપિયા હશે. લોનનો સમય વધુમાં વધુ ૩૦ વર્ષ સુધીનો રહેશે.

(3:35 pm IST)