Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

લોકસભા અને ૪ રાજ્યોની ચૂંટણી પાછળ ભાજપે રૂ. ૧૨૬૪ કરોડનો જંગી ખર્ચ કર્યો

૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે રૂ. ૭૧૪ કરોડનો ખર્ચ કર્યો હતો

નવી દિલ્હી, તા. ૧૬ :. ગયા વર્ષે એપ્રિલથી મે દરમિયાન યોજાયેલી લોકસભાની ચૂંટણી તથા ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચાર પાછળ રૂ. ૧૨૬૪ કરોડનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૪માં ભાજપે રૂ. ૭૧૪ કરોડનો ખર્ચ કર્યો હતો. જેમાં ૭૭ ટકાનો તેણે વધારો કર્યો હતો.

ચૂંટણી પંચને સોંપેલા ખર્ચની વિગતોના સ્ટેટમેન્ટમાં ભાજપે જણાવ્યુ છે કે, તેણે રૂ. ૧૦૭૮ કરોડ જાહેર પ્રચાર પાછળ અને રૂ. ૧૮૬.૫ કરોડ ઉમેદવારો પાછળ ખર્ચ્યા હતા. ઉમેદવારના ખર્ચમાં રૂ. ૬.૩૩ લાખ મિડીયા પેમેન્ટ, રૂ. ૪૬ લાખ પબ્લિસીટી મટીરીયલ્સ, રૂ. ૯.૯૧ કરોડ જાહેરસભાઓ અને સરઘસ પાછળ, રૂ. ૨.૫૨ કરોડ અન્ય ખર્ચાઓ તથા રૂ. ૪૮.૯૬ લાખ ઉમેદવારનો ક્રિમીનલ રેકોર્ડ છે તે બાબત પાછળ ખર્ચ કર્યા હતા.

આની સામે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં રૂ. ૮૨૦ કરોડનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૪માં આ ખર્ચ રૂ. ૫૧૬ કરોડનો હતો.

ભાજપના કેન્દ્રીય હેડ કવાર્ટર દ્વારા લોકસભા અને આંધ્ર, ઓડીસા, સિક્કીમ અને અરૂણાચલ વિધાનસભાઓની ચૂંટણી પાછળ રૂ. ૭૫૫ કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આમાંથી ૧૭૫.૬૮ કરોડ સ્ટાર પ્રચારકો પાછળ, રૂ. ૩૨૫ કરોડ છાપા, ટીવી ચેનલોની જાહેરાતો પાછળ, રૂ. ૨૫.૪૦ કરોડ પોસ્ટરો, કટઆઉટ અને બેનરો પાછળ, રૂ. ૧૫.૯૧ કરોડ જાહેરસભાઓ અને રૂ. ૨૧૨.૭૨ કરોડ અન્ય ખર્ચાઓ માટે ખર્ચાયા હતા. પક્ષના રાષ્ટ્રીય હેડ કવાર્ટર દ્વારા રાજ્યોને ચૂંટણી ખર્ચ પેટે રૂ. ૬૫૧ કરોડ ચૂકવ્યા હતા.

૨૦૧૮-૧૯માં ભાજપને રૂ. ૨૪૧૦ કરોડની આવક થઈ હતી.(૨-૪)

(11:11 am IST)