Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કાશ્મીર પ્રશ્ને યુનોમાં પાકિસ્તાન-ચીનને તમાચો

ભારતનો કુટનિતીક વિજયઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દો ઉછાળવાના પ્રયાસોને જોરદાર ધક્કોઃ તમામ દેશો ભારતની પડખેઃ કાશ્મીર પ્રશ્ન દ્વિપક્ષીય ગણાવ્યો

યુનો, તા. ૧૬ :. યુનોમાં ફરી એક વખત ભારતનો કુટનિતીક વિજય થયો છે. કાશ્મીર મામલો ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોને જોરદાર ફટકો પડયો છે. ચીન સિવાય એક પણ દેશે તેને સાથ આપ્યો નથી. કાશ્મીર મામલે પાકિસ્તાનને યુનોમાં તમાચો પડયો છે. કાશ્મીર મુદ્દો ઉઠાવવા જતા અન્ય સભ્યોએ કહ્યુ કે, આ મુદ્દો ઉઠાવવાનું આ ઉચીત સ્થળ નથી.

 

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પોતાની કુટનિતીક ચાલ થકી પાકિસ્તાનને પછડાટ આપી છે. ચીને ન્યુયોર્કમાં સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠકમાં ફરી એક વખત કાશ્મીર પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો કારણ કે તમામ દેશોએ તેનો વિરોધ કર્યો હતો.

ચીને કાશ્મીર મામલો સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો જેનો ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રૂસ સાથે ૧૦ સભ્યોએ વિરોધ કર્યો અને કહ્યુ હતુ કે આ મામલો અહીં ઉઠાવવાની જરૂર નથી. સુરક્ષા પરિષદના તમામ ૧૪ સભ્યોનું માનવુ છે કે આ કોઈ એવો મામલો નથી જેના માટે ચર્ચાની જરૂર હોય. બધાએ સ્વીકાર્યુ હતુ કે કાશ્મીર મામલો દ્વિપક્ષીય મામલો છે.

યુનોમાં ભારતીય દૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યુ હતુ કે, અમને ખુશી છે કે યુનોમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓ તરફથી કાશ્મીરમાં લગાવવામાં આવેલા ખોટા આરોપોની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. પાકિસ્તાન પોતાના ઈરાદા પાર પાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા ચીનનો ઉપયોગ કરે છે.(૨-૨)

(11:10 am IST)