Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કસ્ટડીમાં ૧૬૩ દિવસઃ હવે ઘરમાં નજરકેદ રખાશે ઓમર

ઓમર પોતાના ઘરમાં સ્પેશયલ સર્વિસ ગ્રુપના જવાનોની સુરક્ષામાં રહેશે

શ્રીનગર, તા.૧૬: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને હવે શ્રીનગરના ગુપકાર રોડ સ્થિત તેમના દ્યરમાં શિફ્ટ કરવામાં આવશે. ઓમરને અત્યાર સુધી હરિ નિવાસમાં તકેદારીના ભાગરૂપે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની જોગવાઈઓ રદ કરાયા બાદ ઓમર અબ્દુલ્લા, પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી સહિત તમામ નેતાઓને તકેદારીના ભાગરૂપે કસ્ટડીમાં લેવાયા હતા.

શરૂઆતના દિવસોમાં મહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને એક જ ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરાયા હતા. બંને નેતા પહેલા હરિ નિવાસમાં રહેતા હતા, જોકે બાદમાં મહબૂબાને ચશ્મે શાહી ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરી દેવાયા. થોડા દિવસો બાદ ઠંડી વધતા મહબૂબાને એક સરકારી ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરી દેવાયા હતા. હવે, ઓમર અબ્દુલ્લાને પોતાના દ્યરમાં પાછા શિફ્ટ કરી દેવાયા છે. તો મહબૂબા હજુ પણ શ્રીનગરના લાલચોકની પાસે બનેલા એક ગેસ્ટ હાઉસમાં રહે છે. તે ઉપરાંત ફારુક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એકટ અંતર્ગત કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

ઓમરને કસ્ટડીમાં લેવાયાના ૧૬૩ દિવસ પછી હવે તેમના ઘરે શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓમર પોતાના ઘરમાં સ્પેશયલ સર્વિસ ગ્રુપના જવાનોની સુરક્ષામાં રહેશે. ઉલ્લેખનીય છે કે, ઓમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીને કલમ ૩૭૦ના અંત બાદ સીઆરપીસીની કલમ ૧૦૭ અંતર્ગત કસ્ટડીમાં લેવાયા હતા.

(10:47 am IST)