Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પ લાખનો ટેક્ષ સ્લેબ રદ થઇ શકે છે

બજેટમાં આયકરનાં દરોમાં થઇ શકે છે મોટો ફેરફારઃ ૩ને બદલે ૪ ટેક્ષ સ્લેબની ચર્ચા

નવી દિલ્હી, તા.૧૬: કોર્પોરેટ ટેકસ ઘટાડવાના તમામ પગલા મંદ પડી ચૂકેલા અર્થતંત્રને જીવંત બનાવવામાં નિષ્ફળ ગયા છે. હવે આવકવેરામાં માળખાકીય પરિવર્તન એ સરકારનું આગલું પગલું હોઈ શકે છે. નાણાં મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી બજેટ ૨૦૨૦-૨૧માં ગ્રાહકોની માંગ વધારવા માટે સરકાર આની જાહેરાત કરી શકે છે.

મળતી માહિતી અનુસાર લોકો ખર્ચ કરી રહ્યા નથી અને સરકાર વ્યકિતગત આવકવેરા અને માંગ વધારવાની યોજનાઓ દ્વારા ખર્ચપાત્ર આવક વધારવાનો વિચારણા કરી રહી છે. કોર્પોરેટ ટેકસ દ્યટાડ્યા પછી સરકાર ડાયરેકટ ટ્રસ્ટ ફોર્સની ખાસ કરીને આવકવેરા અને આવાસને લગતી અન્ય ભલામણોને લાગુ કરવા પર વિચાર કરી રહી છે.

આગામી બજેટમાં સરકાર દ્વારા હાલના ત્રણ ટેકસ સ્લેબને બદલે ચાર ટેકસ સ્લેબની દરખાસ્ત કરવાની અપેક્ષા છે. ટાસ્ક ફોર્સે ઓગસ્ટ, ૨૦૧૯માં રજૂ કરેલા પોતાના અહેવાલમાં આ પ્રકારનું સૂચન આપ્યું છે. જો નવા ટેકસ સ્લેબ લાગુ કરવામાં આવે તો ૧૦ લાખ સુધીની વાર્ષિક આવકમાં ૧૦ ટકા ટેકસ, ૧૦થી ૨૦ લાખની આવક પર ૨૦ ટકા ટેકસ, ૨૦ લાખથી ૨ કરોડ સુધીની આવક પર વાર્ષિક ૩૦ ટકા ટેકસ અને ૨ કરોડથી વધુ આવક પર ૩૫ ટકા ટેકસ રેટની સલાહ આપવામાં આવી છે. જો ટેકસ સ્લેબમાં ઘટાડો થશે તો ૩ કરોડ લોકોને ફાયદો થશે.

ઈન્કમટેકસ પેયર્સ માટે સરકાર રાહતના સમાચાર આપી શકે છે. ૨૦૨૦ના બજેટમાં સરકારે ટેકસ સ્લેબમાં ફેરફાર કરી શકે છે. વધુ આવક ધરાવનારા માટે નવા ટેકસ સ્લેબ બનાવવા અને પર્સનલ ઈન્કમ ટેકસમાં દ્યટાડો કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. આવનારા વર્ષમાં ૨ કરોડ રૂપિયાથી વધારે આવકવાળા લોકો માટે ૩૫ ટકા ટેકસ નક્કી થઈ શકે છે. ૫ લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણ રીતે છૂટને વધારેની ૬.૫ લાખ સુધીની કરી શકાય છે. આ ટેકસ સ્લેબમાં પરિવર્તન કરવાથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની વધારે આવક મળી શકે છે.

સરકારની પાસે કોઈ સાહસિક પગલાં ઉઠાવવાની શકયતા સીમિત છે. કેમકે આ વર્ષે મહેસૂલ સંગ્રહ ઘટવાની સંભાવના છે. સરકારે કથિત રીતે ૧૫માં નાણાંકીય આયોગને સંકેત આપ્યો છે કે આવનારા ૫ વર્ષમાં વેરાના વૃદ્ઘિ બજેટના અનુમાનથી ઓછું હોઈ શકે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦ને માટે કરનું કુલ લક્ષ્ય ૨૫.૫૨ લાખ કરોડ છે જયારે નાણાંકીય વર્ષ ૨૦૧૯ના પ્રોવિઝનલ ડેટાના આધારે આ ૨૩.૬૧ લાખ કરોડ હોઈ શકે છે.

આ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ નાણાકીય વર્ષ ૨૦૧૩ ના ચોથા કવાર્ટર પછીનો સૌથી નીચો છે. એ જ રીતે, આ નાણાકીય વર્ષના પહેલા ભાગમાં ખાનગી વપરાશ ૪.૧ ટકા પર આવી ગયો છે, જે સતત દ્યટતો જાય છે. નાણાં મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે હાલના સંજોગોમાં આવકવેરા માળખામાં ફેરફાર અન્ય નાણાકીય પગલાની તુલનામાં વધુ યોગ્ય પગલું સાબિત થઈ શકે છે.(૨૩.૨)

(10:31 am IST)