Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

FMCG પ્રોડકટસમાં તોળાતો ૧૦ ટકા સુધીનો ભાવવધારો

દૂધ, બટેટા, ખાંડ, ઘઉં તથા પામ ઓઈલ જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે

મુંબઈ, તા.૧૬: દૂધ તથા ખાંડ જેવી કૃષિ કોમોડિટીઝના ભાવમાં થઈ રહેલા વધારા ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) ઉત્પાદકો માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. કાચા માલના ભાવમાં વધારાથી ફુગાવાજન્ય દબાણ આવ્યું છે જે હળવું થવું રહ્યું એમ આ ક્ષેત્રના એક નિષ્ણાતે જણાવ્યું હતું.

હાલમાં ભાવ ઘટવાના કોઈ સંકેત જણાતા નથી ત્યારે અનેક એફએમસીજી પ્રોડકટસના ભાવ વધવાની એરણ પર છે. આને પરિણામે એફએેમસીજી ક્ષેત્રમાં નજીકના ભવિષ્યમાં સુધારો થવાની કોઈ શકયતા જણાતી નથી.

નબળા આર્થિક વિકાસ તથા રોજગાર પર કાપને કારણે ગ્રામ્ય તથા શહેરી પરિવારોએ પોતાના ખર્ચ પર કાપ મૂકવાની ફરજ પડી રહી છે. દૂધ, બટેટા, ખાંડ, દ્યઉં તથા પામ ઓઈલ જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે ત્યારે ડેરી પ્રોડકટસ, વેલ્યુ એડેડ ડેરી પ્રોડકટસ, બિસ્કીટસ, કન્ફકેશનરી આઈટમ્સના વપરાશકારોએ પોતાની ખરીદી પર કાપ મૂકવાની ફરજ પડશે.

વિવિધ પ્રકારના એફએમસીજી પ્રોડકટસના ઉત્પાદકો ભાવમાં પાંચથી દસ ટકા સુધીનો વધારો કરવા વિચારી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે કોર્પોરેટ ટેકસમાં કપાતને કારણે કંપનીઓ પોતાની પર આવી પડનારા વધારાના બોજને ખમી શકે એમ છે પરંતુ તેમ છતાં કંપનીઓ માર્જિનના ભોગે ભાવ વધારવાનું ટાળશે નહીં એવો તેમણે મત વ્યકત કર્યો હતો.

એફએમસીજી ક્ષેત્રની જે કંપનીઓ બજારમાં પ્રાઈસિંગ પાવર ધરાવે છે તે ભાવ વધારો મર્યાદિત કરે તેવી શકયતા નકારાતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ડીસેમ્બરનો રિટેલ ફુગાવો વધીને ૭.૩૫ ટકા રહ્યો છે. ખાધાખોરાકીના ભાવમાં થયેલા જોરદાર વધારાને કારણે ફુગાવો ઊંચે ગયો છે.

કૃષિ કોમોડિટીઝના ભાવમાં વધારો ઉપરાંત અન્ય પરિબળોને કારણે પણ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ઉત્પાદકો પોતાની કાર્યક્ષમતા વધારવા તરફ પણ ધ્યાન આપવા લાગ્યા છે.

સ્પર્ધાને કારણે કેટલીક એફએમસીજી કંપનીઓ પોતાના પ્રોડકટસના ભાવ વધારવાને બદલે રેડી ટુ ઈટના પેકેટસના વજનમાં ઘટાડો કરવાનો વ્યૂહ વિચારી રહી હોવાનું અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે મલેશિયા ખાતેથી આયાત થતા પામ ઓઈલ પરની આયાત ડયૂટીમાં વધારો કરાતા દ્યરઆંગણે પામ ઓઈલની કિંમતમાં તાજેતરમાં ઉછાળો આવ્યો હતો. ઓઈલના ભાવ વધારાને કારણે સાબુ ઉત્પાદકોના ખર્ચમાં વધારો થયો છે.(૨૩.૩)

(10:30 am IST)