Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

હું દાઉદને મળ્યો છું: ઈન્દીરા ગાંધી ડોન કરીમ લાલાને મળવા આવતા

શિવસેનાના નેતા સંજય રાઉત સનસનાટી મચાવે છેઃ ઈન્દીરા ગાંધી કરીમ લાલાને મળવા મુંબઈના પાઈધૂનીમાં આવતાઃ શિવસેનાના નેતાના ધડાકા-ભડાકાથી કોંગ્રેસ કાળઝાળ થશે તે નક્કી

મુંબઈ, તા. ૧૬ :. કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતએ એક મુલાકાતમાં કહ્યુ છે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળવા આવતા હતા. તેમના આ નિવેદનને લઈને ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ કાળઝાળ થાય તેવી શકયતા છે.

સંજય રાઉતે પૂણેમાં એક પુરસ્કાર સમારોહ દરમિયાન એક મિડીયા સમુહને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે, કયારેક અંધારી આલમના લોકો નક્કી કરે છે કે પોલીસ કમિશ્નર કોણ બનશે અને મંત્રાલયમાં કોણ બેસશે ? રાઉતે આ દરમિયાન કહ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી પાઈધૂની (દક્ષિણ મુંબઈનો વિસ્તાર)માં કરીમ લાલાને મળવા આવતા હતા. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે હાજી મસ્તાનના મંત્રાલયમાં આવવા પર સમગ્ર મંત્રાલય તેને જોવા માટે નીચે આવતુ હતુ.

શિવસેનાએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે કોંગ્રેસ બનાવી છે. ૧૯૬૦ના દાયકાથી ૧૯૮૦ના દાયકા સુધી મુંબઈમાં દારૂની દાણચોરી, જુગાર અને ખંડણી વસુલતા ડોન કરીમ લાલાનું ૨૦૦૨માં મોત થયુ હતું.

શિવસેનાના નેતા રાઉતે કહ્યુ હતુ કે, એ અંધારી આલમના દિવસો હતા. બાદમાં બધા ડોન દેશ છોડીને ભાગી ગયા. હવે આવુ નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે હું માફીયા ડોન દાઉદ ઈબ્રાહીમને મળ્યો હતો. મેં તેની સાથે વાત કરી હતી અને તેને ખખડાવ્યો હતો.

અંધારી આલમને જાણતા લોકો કહે છે કે ભલે હાજી મસ્તાન મુંબઈનો પ્રથમ ડોન હોય પરંતુ મુંબઈનો પ્રથમ માફીયા ડોન કરીમ લાલા જ હતો. કરીમ લાલાનું અસલી નામ અબ્દુલ કરીમ શેરખાન હતું. તે અફઘાનિસ્તાનમાં પેદા થયો હતો અને ૨૧ વર્ષની વયે ભારત આવ્યો હતો. ૧૯૩૦માં પેશાવરના રસ્તે મુંબઈ આવી તેણે ધંધો ચાલુ કર્યો હતો. પહેલા તેણે હીરા, ઝવેરાતની દાણચોરી કરી. તેનુ વર્ચસ્વ ૧૯૭૦ સુધી હતું. અમિતાભ બચ્ચનની જંજીર ફિલ્મમાં પ્રાણે જે ભૂમિકા ભજવી હતી તે કરીમ લાલાથી પ્રેરીત હતી. ૯૦ વર્ષે મુંબઈમાં તેનુ મોત થયુ હતું.(૨-૧)

 

(3:58 pm IST)