Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મોદી સરકારે નિયમો તોડી અદાણીને ૪૫૦૦૦ કરોડનો કોન્ટ્રાકટ આપ્યોઃ કોંગ્રેસનો સનસનીખેજ આરોપ

મિત્ર ઉદ્યોગપતિઓની મદદ કરે છે વડાપ્રધાન મોદીઃ અદાણીની કંપનીને અનુભવ નથી છતા સબમરીન બનાવવાનો કોન્ટ્રાકટ આપવા તૈયારી

નવી દિલ્હી, તા. ૧૬ :. કોંગ્રેસે એક મોટો ખુલાસો કરતા આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રની મોદી સરકાર નૌકાદળની અધિકાર પ્રાપ્ત સમિતીની ભલામણો અને સંરક્ષણ ખરીદી પ્રક્રિયાના નિયમોને નેવે મુકી ૪૫૦૦૦ કરોડ રૂપિયાની સબમરીન ખરીદ યોજનાનો કોન્ટ્રાકટ પીએમ મોદીના નજીકના ગૌતમ અદાણી કંપની અદાણી ડીફેન્સને આપવાની તૈયારીમાં છે.

કોંગ્રેસના પ્રવકતા રણદીપસિંહ સુરજેવાલાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અનેક દસ્તાવેજો રજૂ કર્યા હતા અને આરોપ મુકયો હતો કે મોદી સરકારે અનુભવ વગરની અદાણીની કંપનીને કોન્ટ્રાકટની બોલીમાં સામેલ કરવા માટે સંરક્ષણ ખરીદ પ્રક્રિયા ૨૦૧૬ને રોકી દીધી છે. તેમણે કહ્યુ છે કે મોદી સરકાર અને પીએમઓએ ભારતીય નૌકાદળ દ્વારા સ્થાપીત અધિકાર પ્રાપ્ત સમિતીએ આપેલા સૂચનોને ફગાવી દીધા છે. જો કે તેમણે કહ્યુ હતુ કે આ સોદાને હજુ અંતિમ ઓપ નથી અપાયો.

તેમણે સ્વદેશી સબમરીન નિર્માણમાં ઉદ્યોગપતિ મિત્રોની કથીત મદદ કરવાને લઈને  મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. મોદી સરકારે અદાણી સહિતના પોતાના ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરી છે. જ્યારે નૌકાદળે આ લોકોને કામ આપવાનો ઈન્કાર કર્યો છે.

સુરજેવાલાએ ૭૫-આઈ સબમરીન ખરીદ યોજનામાં મોદી સરકાર પર પક્ષપાતપૂર્ણ નિર્ણય લેવા અને પૂંજીપતિ મિત્રોને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ મુકયો હતો. આ ૪૫૦૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેકટ છે. અદાણી ડીફેન્સને જહાજ કે સબમરીન બનાવવાનો અનુભવ નથી. આ કંપની વિજળી એકમ સ્થાપીત કરવા અને તે ચલાવવાનું કામ કરે છે. અધિકાર પ્રાપ્ત સમિતીએ મઝગાંવ ડોક શીપ બિલ્ડર્સ લી. અને એલ એન્ડ ટીને પસંદ કરેલ છે.

(3:59 pm IST)