Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સેંસેક્સ ૭૨ પોઇન્ટ ઘટીને ૩૪,૭૭૧ની સપાટી ઉપર

નિફ્ટી ૪૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૦૦ની સપાટીએ : ડિસેમ્બર મહિનામાં દેશની વેપાર ખાધ વધીને નવી ઉંચી સપાટીએ પહોંચતા તેની સીધી અસર : ફ્લેટ કારોબાર

મુંબઇ,તા. ૧૬ : શેરબજારમાં તાજેતરના દિવસોમાં સતત ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. આજે ફરી એકવાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારના અંતે સેંસેક્સ ૭૨ પોઇન્ટ ઘટીને ૩૪૭૭૧ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૦૦ની સપાટી પર રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો. ડિસેમ્બર મહિનામાં ભારતમાં વેપાર ખાદ્ય વધી હોવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ તેની અસર જોવા મળી હતી. ભારતના ડિસેમ્બર મહિનાના વેપાર ખાદ્યના આંકડા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધારે રહ્યા છે., સોના માટે આયાત બિલ વધારે ઉંચુ ગયુ છે. ક્રુડ ઓઇલની કિંમતમાં પણ ફરી વધારો થયો છે. નિકાસમાં વધારો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે વેપાર ખાદ્યનો આંકડો નવેમ્બર મહિનામાં ૧૩.૮૩ અબજ ડોલરનો હતો. જે વધીને હવે ગયા મહિનામાં ૧૪.૮૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. અન્ય વૈશ્વિક પરિબળો પણ બજારમાં હાલમાં ઉતારચઢાવ માટે જવાબદાર રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસ માટે શુક્રવારે નિરાશાજનક દિવસ રહેતા તેની ચર્ચા કારોબારીઓમાં પણ જોવા મળી હતી . શેરબજારમાં પ્રવાહી સ્થિતી વચ્ચે હવે બજેટ પર પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે બજેટને લઇને કેટલાક લોકલક્ષી પગલાની અપેક્ષા કારોબારીઓ રાખી રહ્યા છે. હાલમાં કોઇ જંગી રોકાણ ન કરાય તેવી વકી છે. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૫૧ પોઇન્ટ સુધરીને ૩૪૮૪૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઇન્ટ ઉછળીને ૧૦૭૪૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કારોબારી સેશનમાં એટલે કે શુક્રવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૪૫૯૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૧ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો.ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મુકવામાં આવ્યા બાદ વૈશ્વિક તેલ કિંમતો હાલમાં ત્રણ વર્ષની ઉંચી સપાટી પર પહોંચી ગઇ છે. વધતી જતી વેપાર ખાદ્યના કારણે તેમજ ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થવાના કારણે ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. જો કમાણીની સિઝનમાં તેજી આવશે તો બજારમાં નવા પ્રાણ ફુંકાઇ શકે છે. હાલમાં તો શેરબજારમાં પ્રવાહી સ્થિતીના ભણકારા વાગી રહ્યા છે.

(7:22 pm IST)