Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

છત્તીસગઢમાં મુખ્યમંત્રી કોણ બનશે તે મામલે આજે ફેંસલો

આજે બપોરે રાયપુરમાં અતિ મહત્વપૂર્ણ બેઠક : રાહુલે છત્તીસગઢના તમામ દાવેદારોની સાથે ફોટો જારી કર્યો : ૧૭ ડિસેમ્બરે રાયપુર ખાતે શપથવિધિ માટે તૈયારી

નવી દિલ્હી, તા.૧૫ : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી પદ પર કોંગ્રેસમાં ફરી ખેંચતાણ જારી છે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ જ આજે પણ ટ્વીટર પર છત્તીસગઢના તમામ મુખ્યમંત્રી પદના દાવેદારની સાથે ફોટો જારી કર્યો હતો પરંતુ મુખ્યમંત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી નામની જાહેરાત કરવામાં આવી નથી. પાર્ટીના નેતા પીએલ પુણીયાએ માહિતી આપતા કહ્યું છે કે આવતીકાલે બપોરે ૧૨ વાગે રાયપુરમાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં મુખ્યમંત્રીના નામ અંગે નિર્ણય લેવામાં આવનાર છે. પુણીયાએ કહ્યું છે કે ૧૭મી ડિસેમ્બરના દિવસે રાયપુરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીના શપથ લેશે. રાહુલે મુખ્યમંત્રી પદના દાવેદારો સાથે ફોટો જારી કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે રાજનીતિ કેટલી શાનદાર છે. તેમાંથી આ ચિત્ર છે. એક ટીમ સામે હંમેશા હાર થાય છે. રાહુલ ગાંધીએ ચારેય મુક્યમંત્રી પદના દાવેદાર ટીએસ સિંહ સહદેવ, તામ્રધ્વજ સાહુ, ભુપેશ બઘેલ અને ચરણદાસ સાથે પોતાના આવાસ ઉપર બેઠક યોજી હતી. બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના છત્તીસગઢ મામલાની પ્રભારી પુણીયા પણ સામેલ થયા હતા. યુપીએના ચેરમેન સોનિયા ગાંધી અને પ્રિયંકા વાઢેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. છત્તીસગઢ માટે કોંગ્રેસ અધ્યક્ષનો આ ત્રીજો ફોટો છે અને ત્રીજી વાતચીત થઈ છે. રાજ્યમાં પાર્ટીએ ૧૫ વર્ષના લાંબા ગાળા બાદ બે તૃતિયાંશ બહુમતી હાંસલ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ગહેલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કલમનાથના નામ પર સંમતિ છે.

(7:55 pm IST)