Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જમ્મુ - કાશ્મીરમાં હિંસા - ફાયરિંગ - પથ્થરમારો : ૧૪ના મોત

પુલવામાં જિલ્લામાં સુરક્ષાદળોએ હિઝબુલના કમાન્ડર જહુર ઠોકર સહિત ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યા બાદ યુવાનોનો પથ્થરમારો : દળોનું ફાયરિંગ : ૭૫થી વધુને ઇજા : ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ : ઘટનામાં સુરક્ષાદળનો જવાન પણ શહિદ

શ્રીનગર તા. ૧૫ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ત્રાસવાદીઓ સાથે મુઠભેડ દરમિયાન ત્રણ ત્રાસવાદીનો ખાત્મો થયો છે. ઉપરાંત તે વિસ્તારના સ્થાનિકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કરતા ફાયરીંગમાં ૧૪ નાગરિકોના મોત થયાના અહેવાલો છે. ત્રાસવાદી જહુર ઠોકરને ઠાર કરાતા લોકો વિફર્યા અને સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો. આ અથડામણમાં ૭૫થી વધુ લોકોને ઇજા થયાના અહેવાલો છે. અથડામણ દરમિયાન યુવકો રસ્તા પર ઉતરી આવ્યા અને દેખાવો શરૂ કર્યા. સુરક્ષાદળોએ કાર્યવાહી કરીને દેખાવકારો પર ફાયરીંગ શરૂ કર્યું. જેમાં ૭ના મોત થયા છે.

ત્રાસવાદી વિરૂધ્ધ અભિયાનમાં સુરક્ષાબળોને તે સમયે મોટી સફળતા મળી, જ્યારે પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર જહુર ઠોકરને ઠાર કરવામાં આવ્યો અને અથડામણ દરમિયાન એક જવાન પણ શહીદ થયો.

જાણવા મળી રહ્યું છે કે, રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઔરંગઝેબની હત્યામાં જહુરનું નામ સામે આવ્યું હતું. એવામાં તેની સુરક્ષા બળો માટે મોટી સફળતાના રૂપે પારખવામાં આવી છે. દરમિયાન હિઝબુલના ત્રણ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો. સુરક્ષાબદળોને ગઇકાલે જાણકારી મળ્યા બાદ સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું કલાકો ચાલેલી અથડામણ બાદ સુરક્ષાદળોએ હિઝબુલ કમાન્ડર જહુર ઠોકર સહિત ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો.

આતંકી સંગઠનમાં સામેલ થયા પહેલા જહુર ટેરિયોરિયલ આર્મી સાથે જોડાયેલો હતો. અથડામણ દરમિયાન એક જવાન પણ શહીદ થયો. બીજીબાજુ પુલવામામાં એન્કાઉન્ટર વચ્ચે સુરક્ષાદળો સાથે સ્થાનિક લોકોએ પથ્થરમારો કરતા અથડામણ થઇ. સૂત્રોના જણાવ્યા મુજબ અથડામણનો વિરોધ કરી રહેલા લોકોએ સુરક્ષાબળો પર પથ્થરમારો કર્યો ત્યારબાદ સ્થિતિ પર કાબુ મેળવવા માટે સુરક્ષાદળોએ અનેક રાઉન્ડ ફાયરીંગ કર્યું. આ દરમિયાન ગોળી લાગવાથી છ સ્થાનિક લોકોના મોત થયા છે. આ અથડામણ બાદથી વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને ઇન્ટરનેટ સેવાઓને પણ બંધ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બારામુલામાં સુરક્ષાબળોએ બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ ત્રાસવાદીની સુચના મળ્યા બાદ સોપોરના બર્થ વિસ્તારની ઘેરાવો કરવામાં આવ્યો અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ બે આતંકીઓને ઠાર કરાયા.

જમ્મુ કાશ્મીરમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન આતંકી વિરૂધ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. અંદાજ મુજબ આ વર્ષે ૨૫૦થી વધુ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. તેમાંથી ૧૩૨ સ્થાનિક આતંકી ગણાવાય રહ્યા છે. બીજી બાજુ આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબાના અંદાજે ૮૦ આતંકીઓને એક વર્ષ દરમિયાન અલગ-અલગ અથડામણોમાં ઠાર કરવામાં આવ્યા.(૨૧.૨૫)

(4:34 pm IST)