Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

રશિયાનો સૌથી મોટો હુમલો :યુક્રેન પર એક સાથે છોડી 100 મિસાઈલો

-હુમલા બાદ શહેરમાં ભયના સાયરન પણ વાગવા લાગ્યા: ખેરસનમાંથી રશિયન સૈનિકોના બહાર નીકળ્યા બાદ રશિયા તરફથી આ સૌથી મોટો હુમલો

નવી દિલ્હી : છેલ્લા 8 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલે  છે. ખેરસનમાંથી પોતાનો કબજો ગુમાવ્યા બાદ ગુસ્સે ભરાયેલા રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર હવાઈ હુમલા કર્યા છે. મંગળવારે કિવમાં 2 રહેણાંક ઇમારતોને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. હુમલા બાદ શહેરમાં ભયના સાયરન પણ વાગવા લાગ્યા હતા. ખેરસનમાંથી રશિયન સૈનિકોના બહાર નીકળ્યા બાદ રશિયા તરફથી આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે

આ હુમલાની માહિતી આપતાં, કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું, “રાજધાનીમાં હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પેચેર્સ્ક જિલ્લામાં બે રહેણાંક ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઘણી મિસાઈલોને પણ તોડી પાડી છે. હુમલા બાદ મેડિકલ અને બચાવ ટીમ સ્થળ પર હાજર છે.

યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, રશિયાએ દેશભરમાં હુમલામાં લગભગ 100 મિસાઇલો છોડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયાએ મંગળવારે યુક્રેન પર ભીષણ હવાઈ હુમલો કર્યો, ત્યારબાદ યુક્રેનના સત્તાવાળાઓએ ઇમરજન્સી પાવર સપ્લાય બંધ કરવાની જાહેરાત કરી છે.

(11:04 pm IST)