Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

થાણેમાં ઉદ્ધવ-શિંદે જૂથના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, મારા-મારી

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ-શિંદે જૂથ વચ્ચેનો ટકરાવ જારી : ઉદ્ધવ જૂથના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થળ પર હાજર શિંદે જૂથના કાર્યકરોએ ઠાકરે ટીમના સભ્યોને ખરાબ રીતે માર માર્યો હતો

થાણે, તા.૧૫ : મહારાષ્ટ્રના થાણેમાં ફરી એકવાર શિવસેનાના બે જૂથો વચ્ચે લડાઈ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે શિંદે અને ઉદ્ધવ જૂથના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કિસાન નગર વિસ્તારમાં આ ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ઉદ્ધવ જૂથના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થળ પર હાજર શિંદે જૂથના કાર્યકરોએ ઠાકરે ટીમના સભ્યોને ખરાબ રીતે માર માર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કિસાન નગરમાં આ ઘટના બની હતી જ્યાં ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવી રહ્યું હતું. સાંસદ રાજન વિચારે પણ નવા હોદ્દેદારોને અભિનંદન આપવા બેઠકમાં પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના કેટલાક શિવસેના કાર્યકરોએ ટીમ ઠાકરેના સભ્યોને માર માર્યો હતો. બંને પક્ષો તરફથી સૂત્રોચ્ચાર થતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અથડામણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. બંને જૂથના સમર્થકો એકબીજા વિરુદ્ધ કેસ નોંધવા માટે થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

 

 

 

 

(7:58 pm IST)