Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

આસામમાંથી બોક્સમાં લઈ જવાતા સાત કાળા વાંદરા જપ્ત કરાયા

આસામના હૈલાકાંડી જિલ્લામાં પોલીસ ટીમની કાર્યવાહી : તમામ ૭ પ્રાણીઓ મિઝોરમમાંથી લેવામાં આવ્યા હતા, આ મામલે બે લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરાઈ

દિસપુર, તા.૧૫ : આસામના હૈલાકાંડી જિલ્લામાંથી દુર્લભ અને ભયંકર કાળા વાંદરાઓ ઝડપાયા હતા. રામનાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હૈલાકાંડી પોલીસ ટીમે સાત કાળા વાંદરાઓને જપ્ત કર્યા છે. તમામ ૭ પ્રાણીઓ મિઝોરમમાંથી લેવામાં આવ્યા હતા.

હૈલાકાંડી પોલીસે જણાવ્યું કે, આ મામલે બે લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. સોમવાર, ૧૪ નવેમ્બરના રોજ રાત્રે ૯ વાગ્યે જામીરા પોલીસ ચોકીમાં નાકા ચેકિંગ દરમિયાન એક ટ્રકની અંદરથી વાંદરાઓને છોડવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, આ વાંદરાઓને એક ટ્રકની અંદર ચાર બોક્સમાં છુપાવીને લઈ જવામાં આવી રહ્યા હતા. પશુ ચિકિત્સક દ્વારા તબીબી તપાસ બાદ વાંદરાઓને વન વિભાગને સોંપવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.

હૈલાકાંડીના પોલીસ અધિક્ષક નબનીત મહંતના જણાવ્યા અનુસાર, આ લુપ્તપ્રાય પ્રજાતિના વાંદરાઓની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં છે. હૈલાકાંડી વન વિભાગે કહ્યું કે, આ તમામ પ્રાણીઓને ગુવાહાટી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવશે. દુર્લભ અને લુપ્તપ્રાય પ્રાણીઓની જાતિઓની તસ્કરી લાંબા સમયથી વધી રહી છે.

આ પ્રાણીઓની દાણચોરી કરીને પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૃપિયામાં વેચવામાં આવે છે. આવા કિસ્સાઓ વધી રહ્યા છે. અગાઉ, ૧૯ ઓક્ટોબરે, વન અધિકારીઓએ આસામના કછારમાં ચાના બગીચામાંથી ત્રણ બોક્સમાં રાખવામાં આવેલા ૧૩ વિદેશી પ્રાણીઓને બચાવ્યા હતા.

(7:36 pm IST)