Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ભારત જોડો યાત્રા ફળી, મોહન ભાગવત મદ્રેસા અને મસ્‍જીદ જવા મજબુર, વડાપ્રધાન પણ ટોપી પહેરવા લાગશેઃ કોંગ્રેસના રાજ્‍યસભાના સભ્‍ય દિગ્‍વિજયસિંહનો દાવો

આ યાત્રા પોતાના અંતિમ મુકામ શ્રનગર પહોંચશે ત્‍યારે શું થશે ? તે જો જો

નવી દિલ્‍હીઃ કોંગ્રેસના રાજ્‍યસભાના સભ્‍ય દિગ્‍વિજયસિંહે ભાજપ અને આર.એસ.એસ. ઉપર પ્રહારો કર્યા હતા.

રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહે દાવો કર્યો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાની અસરથી RSS પ્રમુખ મોહન ભાગવતને મદ્રસા અને મસ્જિદ જવા પર મજબૂર થવુ પડ્યુ છે અને કેટલાક દિવસમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘ટોપી’ પહેરવાનું શરૂ કરી દેશે. દિગ્વિજય ભારત જોડો યાત્રા આયોજન સમિતીના પ્રમુખ છે, તેમણે ઇન્દોરમાં યાત્રાની તૈયારીની સમીક્ષા વચ્ચે કહ્યુ, ભાજપ ટિકા માટે ખાસ કરીને રાહુલ ગાંધીને એટલા માટે પસંદ કરી રહી છે કારણ કે તેમની ભારત જોડો યાત્રાના એક મહિનાની અંદર ભાગવત મદ્રસા અને મસ્જિદમાં જવા લાગ્યા છે. થોડા દિવસોમાં મોદી પણ ટોપી પહેરવા લાગશે.

કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહે એમ પણ કહ્યુ કે વડાપ્રધાન મોદી સાઉદી અરબ અને અન્ય દેશમાં તો ‘ટોપી’ પહેરે છે પરંતુ તે ભારત પરત ફર્યા બાદ માથા પર ‘ટોપી’ નથી પહેરતા. આ સાથે જ દાવો કર્યો કે સાત સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા બે મહિનાની અંદર એટલી અસર થઇ કે સંઘના એક મોટા નેતાએ કહેવુ પડ્યુ કે દેશના ગરીબ લોકો અને ગરીબ તથા અમીર લોકો અમીર થતા જઇ રહ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યુ, તમે જુવો, જ્યારે આ યાત્રા પોતાના અંતિમ મુકામ શ્રીનગર પહોચશે ત્યારે શું થાય છે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને AIMIMની સક્રિયતા પર દિગ્વિજય સિંહે કહ્યુ કે તે વર્ષોથી બોલતા આવી રહ્યા છે કે આ પાર્ટી સંઘની ‘કોંગ્રેસ મુક્ત ભારત’ પરિકલ્પનાનો ભાગ અને ‘ભાજપની બી ટીમ’ છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે બન્ને પાર્ટી માત્ર અન્ય દળના મત કાપવા માટે ચૂંટણી લડે છે, જેથી ભાજપને મદદ મળી શકે.

(5:25 pm IST)