Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાની વડગામ બેઠક ઉપરથી કન્‍હૈયાકુમારની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ

3 સંકલ્‍પ આપીને પુરા કરવાનું વચન આપ્‍યુ

અમદાવાદઃ જીજ્ઞેશ મેવાણીએ કન્‍હૈયાકુમારની હાજરીમાં વડગામ બેઠક ઉપરથી ફોર્મ ભયુ હતુ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કા માટે બનાસકાંઠાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ દરમિયાન કન્હૈયા કુમાર પણ હાજર રહ્યા હતા. જિગ્નેશ મેવાણીએ આ દરમિયાન વડગામની જનતા સામે ત્રણ સંકલ્પ આપ્યા હતા અને તે પૂરા કરવાનું વચન પણ આપ્યુ હતુ.

જિગ્નેશ મેવાણીએ ફોર્મ ભર્યા બાદ વડગામની જનતાને સંબોધન કરતા કહ્યુ કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં હું માનુ છુ કે દેશના બંધારણ અને દેશના લોકતંત્રના સંવિધાનને બચાવવા માટેની ચૂંટણી છે. વડગામ દાયકાઓથી કોંગ્રેસની સાથે રહ્યુ છે. સમશેરપુરાના ચૌધરી સમાજના ભાઇઓ તાજીયામાં પણ શરીક થાય અને ગોળા ગામના જાગીરદારો મટકી પણ ફોડે તેવુ આ ગામ છે. કોંગ્રેસ અને ભાજપની ચૂંટણી તો ખરી જ આ ચૂંટણી થોડી મેવાણી અને મોદીની પણ ચૂંટણી છે. વડગામને વચન આપુ છુ કે આ 5 વર્ષ તમારી વચ્ચે રહ્યો છું આવતા 5 વર્ષે એવો જ તમારી વચ્ચે જ રહેવાનો તે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંધ લઇને કહુ છુ. વડગામની જનતા એમ કહે છે કે સૌને સાથે લઇને કોઇ ચાલે તો જિગ્નેશ મેવાણી છે. કોઇ પણ જગ્યાએ કોઇ પણ ખોટી પ્રવૃતિમાં લાંચ રૂશ્વતમાં ટકાવારીમાં જિગ્નેશભાઇ એમની ટીમના સામે ભારતીય જનતા પાર્ટી પણ આરોપ કરી શકતુ નથી.

ગુજરાતની અંદર બેરોજગારી, મોંઘવારી ચરમસીમા પર છે પણ ઉત્તર ગુજરાતની અંદર બેરોજગારી અને મોંઘવારીની સાથો સાથે પીવાના પાણીનો પ્રશ્ન અત્યંત વિકટ છે. આવા સમયે 2017માં જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યુ ત્યારે આખુ વડગામ એમ કહેતુ હતુ કે જિગ્નેશ ભાઇ બીજુ કઇ કરો કે ના કરો નર્મદાનો પ્રોજેક્ટ મંજૂર કરાવજો. ગુજરાતની વિધાનસભાના મંચ પર પ્રથમ વખત મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવની રજૂઆત કરી અને આજે 192 કરોડ રૂપિયાનો પાણીનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો.

જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઇને પણ વાત કરી હતી અને વડગામની જનતા વચ્ચે ત્રણ સંકલ્પ પણ રજૂ કર્યા હતા.

1. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી નહી થાય તો ફરી ડબ્બો લઇને નીકળીશ અને લાઇબ્રેરી-પુસ્તકાલયનું નિર્માણ કરીશ.

2. મુક્તેશ્વર અને કરમાવતનો પ્રોજેક્ટ મંજૂર થયો આ પાંચ વર્ષમાં હિલાતુ પાણી જોઇ શકશો અને તમારા સાથ સહકારથી કરી બતાવીશ તે ખાતરી આપુ છુ.

3. સરકારે બજેટમાં જલોત્રા ખાતે GIDCનું યૂનિટ બનાવવાની વાત કરી હતી પણ હજુ સુધી એક ઇંટ મુકી નથી. વડગામમાં GIDC યૂનિટ બનાવીને બતાવીશ તેવી ખાતરી આપુ છુ.

કન્હૈયા કુમાર પણ વડગામમાં હાજર રહ્યા હતા. કન્હૈયા કુમારે ‘કેમ છો’ કહીને સંબોધન શરૂ કર્યુ હતુ. કન્હૈયા કુમારે મોડા પહોચતા પહેલા વડગામની જનતાની માફી પણ માંગી હતી. કોંગ્રેસના નેતાએ સૌથી પહેલા મોરબી દૂર્ઘટનામાં મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી અને પોતાની વાત રજૂ કરી હતી.

કન્હૈયા કુમારે કહ્યુ કે, મને ગુજરાતી ભલે ના આવડતી હોય પણ મને ગુજરાતની ભાવના જરૂર સમજમાં આવે છે. વડગામની તાકાત જુવો, ગત વખતે જિગ્નેશ સિલાઇ મશીનના નિશાન પર ચૂંટણી લડતા હતા અને તે સિલાઇ મશીન લઇને કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા કરી રહી છે અને તમે જિગ્નેશને ધારાસભ્ય નથી બનાવ્યો તેને કોંગ્રેસી પણ બનાવી દીધો છે. આ ચૂંટણી જિગ્નેશભાઇની ચૂંટણી નથી, આ વડગામની અસ્મિતાની ચૂંટણી છે, વડગામના ઇતિહાસની, વડગામની ઓળખની ચૂંટણી છે.

કન્હૈયા કુમારે જિગ્નેશ મેવાણીને જીતાડવાની અપીલ કરતા કહ્યુ કે, હું ભલામણ કરૂ છુ કે તમારા ખભા પર ગત વખત કરતા વધારે જવાબદારી આ વખતે આવી ગઇ છે. જિગ્નેશ જીતશે તો વડગામ જીતશે આ વાતને યાદ રાખજો. લડવા વાળાને પરેશાન કરશો, લોકોના હક અને અધિકાર માટે લડે છે તેને તંગ કરશો તો અમે તેની પર આશીર્વાદ આપીશુ.

(5:24 pm IST)