Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

૧૧ વર્ષના છોકરાએ આઇકયુના મુદ્દે સ્‍ટીફન અને આઇન્‍સ્‍ટાઇનને આપી મહાત

લંડન, તા.૧૫: આઇકયુ સોસાયટી મેન્‍સા વર્ષોથી વિવિધ નિરીક્ષણો દ્વારા એની ચકાસણી કરતી હોય છે, જેમાં તાજેતરમાં ૧૧ વર્ષના એક બાળકે બધાને મહાત આપીને આશ્‍ચર્ય સરજ્‍યું હતું. માત્ર ૧૧ વર્ષનો યુસુફ શાહ ઇંગ્‍લૅન્‍ડના યૉર્કશરના લીડ શહેરમાં વિગ્‍ટન ખાતે તેનાં માતા-પિતા અને બે ભાઈઓના પરિવાર સાથે રહે છે. યુસુફના સ્‍કૂલના મિત્રો હંમેશાં તેને સૌથી વધુ સ્‍માર્ટ અને બુદ્ધિશાળી ગણતા હોવાથી તેણે આઇકયુ ટેસ્‍ટ આપી હતી. તેના સ્‍કોરને કારણે તેને સૌથી ટૉપ પર્સેન્‍ટાઇલ ધરાવતા ગ્રુપમાં સ્‍થાન મળ્‍યું છે. યુસુફ શાહે આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇન અને સ્‍ટીફન હૉકિંગ જેવા પ્રતિભાશાળીઓને હરાવવા માટે મેન્‍સા ટેસ્‍ટમાં સૌથી વધુ શકય સ્‍કોર હાંસલ કર્યો હતો. સ્‍ટીફન હૉકિંગે ૧૬૦નો સ્‍કોર કર્યો હોવાનું મનાય છે, જ્‍યારે આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇને સત્તાવાર રીતે કયારેય ટેસ્‍ટ આપી ન હોવા છતાં નિષ્‍ણાતોનું માનવું છે કે તેણે હૉકિંગ જેટલો જ સ્‍કોર કર્યો હોવો જોઈએ. યુસુફે ૧૬૨નો સ્‍કોર બનાવ્‍યો હતો, જે અન્‍ડર-૧૮ માટે મહત્તમ સ્‍કોર ગણાવી શકાય. મોટો થઈને યુસુફ કૅમ્‍બ્રિજ અથવા ઑક્‍સફર્ડમાં ગણિતમાં વધુ અભ્‍યાસ કરવા માગે છે.

(4:05 pm IST)