Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ભારતનો ખાદ્યતેલ આયાત ખર્ચ ૩૪ ટકા વધ્‍યો

ખાદ્ય તેલનો જથ્‍થો ફકત ૬.૮૫ ટકા વધ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૫: ભારતનો ખાદ્યતેલ પરનો આયાત ખર્ચ ઓકટોબર ૨૦૨૨માં સમાપ્‍ત થયેલ તેલ વર્ષમાં ૩૪.૧૮ ટકા વધીને ૧.૫૭ લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે, જયારે જથ્‍થાના સંદર્ભમાં તે ૬.૮૫ ટકા વધીને ૧૪૦.૩ લાખ ટન થઇ છે.

સોલવન્‍ટ એકસટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઇન્‍ડિયા (એસઇએ) અનુસાર, વિશ્‍વના મુખ્‍ય વનસ્‍પતિ તેલ ખરીદનાર દેશ ભારતે તેલ વર્ષ ૨૦૨૦-૨૧ (નવેમ્‍બરથી ઓકટોબર)માં ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનું ૧૩૧.૩ લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી હતી. પહેલા બે ત્રિમાસીક દરમ્‍યાન આયાત ધીમે ધીમે વધી અને ત્રીજા ત્રિમાસીકમાં તે ધીમી થઇ ગઇ. જો કે ઇન્‍ડોનેશીયા દ્વારા પામ ઓઇલ પર પ્રતિબંધ હટાવવા અને આંતરરાષ્‍ટ્રીય ભાવોમાં જોરદાર ઘટાડાના કારણે ચોથા ત્રિમાસીકમાં તે ફરીથી વધી ગઇ.

એસઇએ અનુસાર, આ વર્ષે પામ ઓઇલના ભાવોમાં વધારે વધ ઘટે ભારતની પામ ઓઇલની ખરીદીને અસર કરી. માર્ચ - એપ્રિલમાં થોડો સમય પામ ઓઇલ અન્‍ય ખાદ્ય તેલો જેટલું મોંઘુ રહ્યું. ઇન્‍ડોનેશીયાના પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયથી તેની ઉપલબ્‍ધતા પર વધુ અસર થઇ. અપેક્ષા અનુસાર, ભારતની પામ ઓઇલની ખરીદી ઘટી ગઇ અને અન્‍ય તેલની આયાત વધી ગઇ.

એસઇએ એક સ્‍ટેટમેંટમાં કહ્યું કે તેલ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્‍યાન પામ ઓઇલની આયાત ગયા વર્ષની ૮૩.૨૧ લાખ ટનની સામે ઘટીને ૭૯.૧૫ લાખ ટન થઇ ગઇ. તો અન્‍ય તેલોની આયાત આગલા વર્ષના ૪૮.૧૨ લાખ ટનથી વધીને ૬૧.૧૫ લાખ ટન થઇ ગઇ.

એસઇએ અનુસાર, અન્‍ય તેલોમાં સોયાબીન તેલની આયાત આ વર્ષે ઝડપથી વધીને ૪૧.૭૧ લાખ ટન થઇ ગઇ જે ગયા વર્ષે ૨૮.૬૬ લાખ ટન હતી. તો સૂર્યમુખી તેલની આયાત મામૂલી વધીને ૧૯.૪૪ લાખ ટન થઇ જે ગયા વર્ષે ૧૮.૯૪ લાખ ટન હતી.

(3:25 pm IST)