Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

પૈસાની રેલમછેલ ઉડશે : લિમિટ કરતાં ૧૦૦૦% વધુ ખર્ચા

વિધાનસભા સુધી પહોંચવા ઉમેદવારોનો મતદારો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો : ૨૦૧૭માં પ્રતિ મતદાર રૂા.૪૫ની મર્યાદા સામે રૂપિયા ૪૫૯ વાપર્યા : ગુજરાતમાં ચૂંટણી પાછળ બેફામ પૈસા વપરાય છેઃ ચૂંટણી પંચ જે મર્યાદા નક્કી કરે છે તેના અનેકગણો થાય છે ખર્ચ : રિસર્ચમાં ઘડાકો

નવી દિલ્‍હી, તા.૧૫: ચૂંટણી પહેલા નેતાઓ મતદાતાઓને રિઝવવા માટે તેમની પાછળ જે ખર્ચ કરે છે એટલો ખર્ચ ચૂંટણી પછી તેમની પાછળ કેમ કરવામાં આવતો નથી? આવો સવાલ સૌ કોઈને ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવતા ખર્ચને જોઈને થતો હોય છે. જોકે, આ જ દિન સુધી કોઈ ઉમેદવાર સામે નિશ્‍ચિત ખર્ચ કરતા વધુ રૂપિયા મતદારો પાછળ વાપર્યા હોય અને કાર્યવાહી કરવામાં આવી હોય તેવો કિસ્‍સો સાંભળવા મળ્‍યો ના હોવાનું પણ સામે આવી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા ખર્ચ કરતા ૧૦૦૦% વધુ ખર્ચ કરવામાં આવ્‍યો હોવાના આંકડા રિસર્ચમાં સામે આવ્‍યા છે. વર્ષ ૨૦૧૭ની ગુજરાતની ચૂંટણીમાં કરવામાં આવેલા રિસર્ચના આંકડા જણાવે છે કે એક ઉમેદવાર પાછળ ચૂંટણીપંચ દ્વારા લગભગ દરેક મતદાર પાછળ ૪૫ રૂપિયાનો ખર્ચ કરવાની સીમા બાંધી હતી જેની સામે ૪૫૯ રૂપિયા દરેક મતદાર પાછલ ખર્ચ કરાયા છે. વર્ષ ૨૦૧૭માં થયેલી ચૂંટણીના પ્રચાર માટે ચૂંટણીપંચે નિર્ધારિત કરેલા ૨૮ લાખ રૂપિયાની કુલ સીમાનો ઉપયોગ કરીને આંકડા કાઢવામાં આવ્‍યા છે.
આમ આ પ્રકારનું ચૂંટણી ખર્ચ પર થયેલું આ પહેલું રિસર્ચ હતું, જેમાં ટાટા ઈન્‍સ્‍ટિટયુટ ઓફ સોશિયલ સાયન્‍સિસ (TISS), મુંબઈના સંશોધકો પણ જોડાયા હતા. આ સિવાય બે અમેરિકાની સંસ્‍થાઓ- ટેમ્‍પલ યુનિવર્સિટી અને વન્‍ડરબિલ્‍ટ યુનિવર્સિટી જોડાયા હતા. સંશોધકોએ અમદાવાદ અને ખેડામાં ચૂંટણી પાછળ ઉમેદવારો દ્વારા કરાયેલા ખર્ચનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.
આ સંશોધનમાં નવેમ્‍બર ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ દરમિયાન થયેલા ખર્ચનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. સંશોધકોએ નોંધ્‍યું કે અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારે સત્તાવાર રીતે જણાવ્‍યું કે તેમણે ૧૩.૪ લાખનો ખર્ચ કર્યો છે, જ્‍યારે ભાજપના ઉમેદવારે જણાવ્‍યું કે તેમણે ૧૦.૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્‍યારે અપક્ષ ઉમેદવારે ૨.૭ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્‍યારે કપડવંજમાં કોંગ્રેસના ઉમેદવારે ૯.૭ લાખ અને ભાજપના ઉમેદવારે ૧૧.૮ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
TISSના સંશોધક અશ્વાની કુમાર, ટેમ્‍પલ યુનિવર્સિટીના સૌરદીપ બેનર્જી અને વંડરબિલ્‍ટ યુનિવર્સિટીના શાસ્‍વત ધારે એ ખર્ચનું સરવૈયું કર્યું કે જે અમદાવાદ અને કપડવંજની બે મુખ્‍ય પાર્ટીઓના ઉમેદવારો દ્વારા મતદાનના ૧૪ દિવસ પહેલા કર્યો હતો. અભ્‍યાસમાં સામે આવ્‍યું કે મોટાભાગે ઉમેદવારોએ સભા અને રેલીઓના આયોજન પાછલ ૧૬ લાખથી ૨૮ લાખ રૂપિયા ખર્ચ કર્યો, સ્‍ટાર કેમ્‍પેઈનર પાછળ ૧૫થી ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, ૫થી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ પાર્ટીના કાર્યકર્તાઓના જમણવાર પાછળ કર્યો હતો, ૭થી ૧૪ લાખ રૂપિયાનો ખર્ચ બૂથ મેનેજર પાછળ કરવામાં આવ્‍યો હતો અને ૧૦ લાખથી વધુ ખર્ચ બેનરના પ્રિન્‍ટિંગ પાછળ કરવામાં આવ્‍યો હતો.
સંશોધકોએ જાણ્‍યું કે ઉમેદવારોએ કુલ મળીને ૫૭ લાખ રૂપિયાથી ૧.૧૬ કરોડ રૂપિયા વચ્‍ચેનો ખર્ચ કર્યો હતો. પરંતુ પાર્ટીઓ અને ઉમેદવારો નિશ્‍ચિત કરેલા ખર્ચ કરતા વધુ રૂપિયા કઈ રીતે વાપરે છે? સંશોધનમાં જાણવા મળ્‍યું કે પ્રચારમાં રૂપિયા વાપરવા માટે થર્ડ-પાર્ટીના ખાતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાતા સામાન્‍ય રીતે પરિવારના સભ્‍યો અને ઉમેદવારના સહયોગીઓના હોય છે. ૨૦૨૨ની ગુજરાતની ચૂંટણીમાં ચૂંટણીપંચને ૪૫૦ કરોડનો ખર્ચ થશે તેવા સંભાવના છે, જેમાં મતદારોને મતદાનમથક સુધી લાવવા માટે ૯૦ રૂપિયાનો ખર્ચ થાય છે. આ વર્ષે રાજ્‍યમાં ૪.૫૫ કરોડ મતદાતાઓ છે

 

(11:11 am IST)