Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૧૬૫૫ ઉમેદવારો

ગઇકાલે ફોર્મ ભરવાનું કાર્ય પુરૂ થયા બાદ આજે ચકાસણીનું કામ શરૂ : ૧૭મી સુધી ફોર્મ પાછુ ખેંચી શકાશે : નડતરરૂપ હોય તેને ફોર્મ પાછા ખેંચાવી લેવાની રમત હવે શરૂ : શામ - દામ - દંડ - ભેદની નીતિ અપનાવવા તૈયારી

નવી દિલ્‍હી, તા.૧૫: ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે અને વાતાવરણ ઠંડુ બની રહ્યું છે તેવામાં રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ગઇકાલે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ૧૬૫૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં અનેક દિગ્‍ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે હવે આજે આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીનું કામ શરૂ થયુ છે. ૧૭મી સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકાશે.
ગઈકાલે સોમવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને કારણે આખો દિવસ ઉમેદવારો ફોર્મ લઈને દોડધામ કરતા નજરે પડ્‍યાં. દર વખતની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણીઓ સાવ અલગ છે. એનું કારણ છેકે, વર્ષોથી ગુજરાતની જનતાએ ચૂંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે લડાઈ જોઈ છે. પણ આ વખતે દિલ્લીથી આવેલી આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ થઈ છે. AAPના આવવાથી આ ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં AAPની એન્‍ટ્રીથી હવે ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. આ ઉપરાંત કેટલીક બેઠકો એવી પણ હશે જ્‍યાં કયાંક અપક્ષ ઉમેદવાર અને અન્‍ય પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી એવી બેઠકો પર ચારથી પાંચ ઉમેદવારો વચ્‍ચે જંગ જોવા મળશે. ત્‍યારે આંકડો જાણીને તમને પણ નવાઈ લાગશે પણ આ વખતે પહેલાં તબક્કાની કુલ ૮૯ વિધાનસભા બેઠક માટે ૧૬૫૫ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૌથી વધારે સુરતની ૧૬ બેકઠ માટે ૩૬૨ લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ત્‍યાર બાદ રાજકોટની ૮ બેઠકો માટે ૧૭૦ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્‍યારે સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે ૩ ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની સમયમર્યાદા બાદ ચિત્ર સ્‍પષ્ટ થશે.
પહેલાં તબક્કકાની કઈ બેઠક પર કેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયાઃ
કચ્‍છની ૬ બેઠક પર ૯૨ ફોર્મ ભરાયા...
સુરેન્‍દ્રનગરની ૫ બેઠક માટે ૯૩ ફોર્મ ભરાયા..
મોરબીની ૩ બેઠક માટે ૮૦ ફોર્મ ભરાયા...
રાજકોટની ૮ બેઠક માટે ૧૭૦ ફોર્મ ભરાયા...
જામનગરની ૫ બેઠક માટે ૧૩૪ ફોર્મ ભરાયા..
દેવભૂમિ દ્વારકાની ૨ બેઠક માટે ૪૮ ફોર્મ ભરાયા...
પોરબંદરની ૨ બેઠક માટે ૪૩ ફોર્મ ભરાયા...
જૂનાગઢની ૫ બેઠક માટે ૭૮ ફોર્મ ભરાયા..
ગીરસોમનાથની ૪ બેઠક માટે ૬૪ ફોર્મ ભરાયા...
અમરેલીની ૫ બેઠક માટે ૧૧૯ ફોર્મ ભરાયા..
ભાવનગરની ૭ બેઠક માટે ૧૦૮ ફોર્મ ભરાયા..
બોટાદની ૨ બેઠક માટે ૫૬ ફોર્મ ભરાયા..
નર્મદાની ૨ બેઠક માટે ૧૫ ફોર્મ ભરાયા..
ભરૂચની ૫ બેઠક માટે ૭૫ ફોર્મ ભરાયા..
સુરતની ૧૬ બેઠક માટે ૩૬૨ ફોર્મ ભરાયા..
તાપીમાં ૨ બેઠક માટે ૧૭ ફોર્મ ભરાયા...
ડાંગની ૧ બેઠક માટે ૩ ફોર્મ ભરાયા..
નવસારીની ૪ બેઠક માટે ૪૮ ફોર્મ ભરાયા..
વલસાડની ૫ બેઠક માટે ૫૦ ફોર્મ ભરાયા....
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરાવાનું પુરૂ થઇ ગયુ છે. હવે આજે ચકાસણી છે અને તા.૧૭મી સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્‍યારે મુખ્‍ય રાજકીય પક્ષો માટે ચૂંટણી પહેલાની ચૂંટણી જેવી સ્‍થિતિ છે. કારણે નડતરરૂપ હોય તેને ફોર્મ પાછા ખેંચાવી લેવાની રમતના ચોકઠાં હવે ગોઠવાઇ રહ્યા છે.
પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડીસેમ્‍બર થવાનું છે. જેના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ આજે હતો. દર વખતે કેટલાય અપક્ષો પૈસા કમાવા માટે ફોર્મ ભરતા હોય છે. આ વખતે પણ દરેક બેઠકમાં મોટી સંખ્‍યામાં અપક્ષોએ ફોર્મ ભર્યા છે. હવે ફોર્મ પાછા ખેંચવાની તારીખ ૧૭ છે તે પૂર્વે આવા નડતરરૂપ અપક્ષોને હટાવવા મુખ્‍ય રાજકીય પક્ષોએ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવાનું શરૂ કરી દીધુ છે.
એટલું જ નહીં નડતરરૂપ કોઇ ઉમેદવારે ફોર્મ ભર્યુ છે તો તેમને સમજાવવા અને ફોર્મ પાછું ખેંચી લેવા માટે તેમના સામાજિક સંબંધો, રાજકીય સંબંધો, ધંધાકીય સંબંધોની લીંક શોધીને ભાજપ કોંગ્રેસે ફોર્મ પાછું ખેંચાવવા રમત માંડી દીધી છે. તો વળી કેટલીક બેઠક પર ભાજપે કોંગ્રેસ કે આપ સામે અને કોંગ્રેસે આપ કે ભાજપ સામે અપક્ષને ફોર્મ ભરાવયું હોય તો તેવાને પણ કોઇને કોઇ રીતે સમજાવીને ફોર્મ પાછું ખેંચાવી લેવાના પ્રયત્‍નો શરૂ થઇ ગયા છે.

 

(11:11 am IST)