Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

શરૂ થઇ ‘છટણીની મોસમ'... મેટા - ટવીટર બાદ હવે એમેઝોન પણ ૧૦,૦૦૦ લોકોને તગેડી મૂકશે

મંદીનો રાક્ષસનો હાઉ

ન્‍યુયોર્ક, તા.૧૫: ટ્‍વીટર અને ફેસબુક બાદ હવે દિગ્‍ગજ અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના લગભગ ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. ન્‍યૂયોર્ક ટાઈમ્‍સે સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવ્‍યું છે કે કંપની આ સપ્તાહથી છટણી શરૂ કરવાનું વિચારી રહી છે અને મોટાભાગની કોર્પોરેટ અને ટેકનોલોજી સંબંધિત નોકરીઓમાં કાપ મુકવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, છટણી મુખ્‍યત્‍વે એલેક્‍સા જેવી પ્રોડક્‍ટ્‍સ બનાવતી કંપનીના ડિવાઇસ યુનિટ અને તેના રિટેલ યુનિટ અને હ્યુમન રિસોર્સિસ ટીમમાં કરવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે છટણીમાં સામેલ કર્મચારીઓની સંખ્‍યામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. સમાચાર લખાય છે ત્‍યારે, એમેઝોન તરફથી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.
૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૧ સુધીના ડેટા અનુસાર લગભગ ૧૬ લાખ કર્મચારીઓ એમેઝોનમાં ફુલટાઈમ અને પાર્ટ ટાઈમ કામ કરે છે. મહત્‍વનું છે કે તાજેતરમાં જ એમેઝોને જણાવ્‍યું હતું કે તે આગામી કેટલાક મહિનાઓ માટે કંપનીમાં નવી ભરતી કરવાનું બંધ કરી રહી છે.
આ છટણીના સમાચાર એવા સમયે આવી રહ્યા છે જયારે હાલમાં જ થોડા સમય પહેલા એમેઝોને આશંકા વ્‍યક્‍ત કરી હતી કે આ વર્ષે હોલીડે સીઝનમાં તેનો ગ્રોથ દર વર્ષ કરતા ઓછો હોઈ શકે છે. જયારે એમેઝોન સામાન્‍ય રીતે આ તહેવારોની મોસમ દરમિયાન વર્ષનો સૌથી વધુ વેચાણ રેકોર્ડ નોંધાવે છે.
એમેઝોને કહ્યું કે આ વખતે વધતી મોંઘવારીને કારણે લોકો અને કંપનીઓ પાસે વધારાના ખર્ચ માટે ઓછા રુપિયા બચ્‍યા છે. આ છટણી સાથે, એમેઝોન હવે એવી ટેક કંપનીઓની યાદીમાં જોડાઈ ગયું છે, જે સંભવિત આર્થિક મંદી પહેલા ખર્ચ ઘટાડવા માટે છટણીનો આશરો લઈ રહી છે.
એમેઝોન પહેલા ગત સપ્તાહમાં ફેસબુકની પેરન્‍ટ કંપની મેટાએ જાહેરાત કરી હતી કે તે કંપનીના ૧૧,૦૦૦ અથવા ૧૩ ટકા કર્મચારીઓને છટણી કરશે. આ સિવાય ઈલોન મસ્‍કની માલિકીની ટ્‍વિટર, તેમજ દિગ્‍ગજ ટેક કંપની માઈક્રોસોફટ અને સ્‍નેપ દ્વારા પણ તાજેતરમાં કંપનીમાં મોટાપાયે છટણી કરવામાં આવી છે.

 

(11:10 am IST)