Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ભાઈ-બહેનના લગ્ન કરાવવાની પરંપરાઃ કોર્ટે લગાવ્‍યો પ્રતિબંધ

કેરળમાં વસતા એક ખ્રિસ્‍તી  સમુદાયના લોકોની

કોચી,તા.૧૫ : કેરળમાં એક ખ્રિસ્‍તી સમુદાયની પરંપરા પર ત્‍યાંની કોટ્ટાયમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સમુદાયમાં ભાઈ-બહેનના લગ્ન કરાવવાની પરંપરા હતી  કોર્ટે જણાવ્‍યું કે, આ કોઈ ધાર્મિક મામલો નથી તેથી આ પરંપરા બંધ કરો. આ મામલો ક્રોસ કજિન મેરેજનો એટલે કે પિતરાઈ કે દુરના સંબંધીના ભાઈ-બહેન સાથે જોડાયેલો નથી, પરંતુ સગા ભાઈ-બહેન વચ્‍ચે લગ્ન કરાવવાની પરંપરાનો છે. મર્યાદિત વસ્‍તી ધરાવતો આ સમુદાય આ પરંપરા અંગે જુદા જુદા કારણો આપે છે.

ભાઈ-બહેનના લગ્ન કરાવવાની પરંપરા પાછળનો તેમના કારણો આર્ય પમાડે તેવા છે. વાસ્‍તવમાં આ કેરળમાં રહેતો એક એવો ખ્રિસ્‍તી સમુદાય છે, જે પોતાને જાતિગત ખૂબ જ શુદ્ધ માને છે. આ સમુદાયમાં તેમની પવિત્રતા જાળવવા માટે સગા ભાઈ-બહેનના એકબીજા સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે.

કેરળમાં કનન્‍યા કેથોલિક સમુદાયના લોકો વસે છે. આ સમુદાયના લોકો પોતાને તે ૭૨ યહૂદી-ખ્રિસ્‍તી પરિવારના વંશજ માને છે, જેઓ ઈ.સ.૩૪૫માં થોમસ ઓફ કિનાઈ વેપારી સાથે મેસોપોટામિયાથી અહીં આવ્‍યા હતા. મીડિયા અહેવાલ મુજબ કિનાઈ નામથી કનન્‍યા સમુદાય નામ થઈ ગયું. કેરળના કોટ્ટાયમ અને તેની આસપાસના જિલ્લામાં આ સમુદાયના લગભગ ૧.૬૭ લાખ લોકો વસે છે, આમાં ૨૧૮ પાદરીઓ અને નન પણ સમાવેશ થાય છે.

આ સમુદાયના લોકો સામાન્‍ય રીતે તેમની જાતિની શુદ્ધતા જાળવવા માટે સમાજની બહાર લગ્ન કરતા નથી. જો કોઈ વ્‍યક્‍તિ સમાજની બહાર લગ્ન કરે તો તેને સમાજમાંથી હાંકી કઢાય છે. એટલું જ નહીં, તેવી વ્‍યક્‍તિ પર ચર્ચ અને કબ્રસ્‍તાનમાં જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાય છે. જે વ્‍યક્‍તિ સમાજની બહાર લગ્ન કરે છે તે આ સમાજના અન્‍ય લગ્નો અને કાર્યક્રમોમાં હાજરી આપી શકતી નથી.

સમાજમાંથી હાંકી કઢાયા બાદ સમાજમાં પરત ફરવાનો પણ નિયમ છે. આ સમુદાયનો છોકરો બહારના સમાજની છોકરી સાથે લગ્ન કરે છે અને જો તે છોકરી મૃત્‍યુ પામે તો તે વ્‍યક્‍તિને સમાજમાં પાછા ફરવાની પણ જોગવાઈ છે. પરંતુ આ માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવે છે. શરત એ છે કે છોકરાએ તેના સમુદાયની છોકરી સાથે ફરીથી લગ્ન કરવા પડે. બીજી શરત એ છે કે જો પ્રથમ પત્‍ની (બહારની છોકરી)એ બાળકને જન્‍મ આપ્‍યો હોય તો તેને સમુદાયમાં લાવી શકાય નહીં. જો કે મહિલાઓ માટે આવી કોઈ જોગવાઈ નથી. કેટલીકવાર એક જ પરિવારમાં લોકો જુદા જુદા સંપ્રદાયોને અનુસરે છે.

એક મહિલાના પતિને સમુદાયમાંથી હાંકી કઢાયા બાદ મહિલાએ સાંથા જોસેફે સંસ્‍થા દ્વારા કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેણે જણાવ્‍યું કે, હું ખ્રિસ્‍તી તો હતી પરંતુ મારા પતિ કનન્‍યા સમુદાયના હોવાથી તેમને સમાજમાંથી હાંકી કઢાયા હતા. આ સમસ્‍યાઓ બાદ આ પરંપરાથી પીડિત લોકોએ કનન્‍યા કેથોલિક નવીનિકરણ સમિતિ નામથી એક સંસ્‍થા બનાવી અને આવી પરંપરાઓ વિરૂદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરી. આ મામલે કોર્ટે ચુકાદો કરતા પરંપરાથી પીડિત લોકોને રાહત મળી. કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે, ભાઈ-બહેનોના પરસ્‍પર લગ્ન કરાવવાની પરંપરા પર પ્રતિબંધ લગાવવામાં આવે.

(10:28 am IST)