Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

સાઉથ સુપરસ્‍ટાર મહેશબાબુના પિતાનું ૭૯ વર્ષની વયે નિધન

૨ મહિના અગાઉ જ માતાએ લીધા હતા અંતિમ શ્વાસ

હૈદ્રાબાદ,તા. ૧૫ : સાઉથના સુપરસ્‍ટાર મહેશ બાબુના પિતા ક્રિષ્‍ના ઘાટ્ટાંમાણેનીનું નિધન થયું છે. મહેશ બાબુના પિતા ક્રિષ્‍ના ઘાટ્ટાંમાણેની જાણીતા તેલુગુ અભિનેતા હતા. તેઓ સુપરસ્‍ટાર ક્રિષ્‍ના તરીકે જાણીતા હતા. ૭૯ વર્ષની વયે ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીએ એક દિગ્‍ગજ અભિનેતાને ગુમાવ્‍યા છે. હૈદરાબાદની એક ખાનગી હોસ્‍પિટલમાં  આજે મંગળવારે સવારે ૪ વાગ્‍યે તેમણે અંતિમ શ્વાસ લીધા.

ક્રિષ્‍ના ઘાટ્ટાંમાણેનીને હાર્ટ એટેક આવ્‍યા બાદ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેલંગાણાના મુખ્‍યમંત્રી કે ચંદ્રશેખર રાવે  ક્રિષ્‍ના ઘાટ્ટાંમાણેનીના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો છે. તેમણે ક્રિષ્‍ના ઘાટ્ટાંમાણેનીના ફિલ્‍મ ઉદ્યોગમાં ૫ વર્ષના યોગદાનને યાદ કર્યું. મહેશ બાબુના પિતાના નિધનના સમાચાર સાંભળીને ચાહકો ભાવુક થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્‍સ દિગ્‍ગજ અભિનેતાને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ક્રિષ્‍ના ઘાટ્ટાંમાણેનીના નિધનના સમાચારથી તેલુગુ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આંધ્રપ્રદેશના મુખ્‍યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ દિગ્‍ગજ અભિનેતાના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો છે.

મહેશ બાબુના પરિવાર માટે આ મુશ્‍કેલ સમય છે. મહેશ બાબુના માતાનું ૨ મહિના પહેલા જ નિધન થયું છે. હવે અભિનેતાના માથા પરથી પિતાનો પડછાયો ઊઠી ગયો છે. સાઉથના સુપરસ્‍ટાર મહેશ બાબુ ઘણીવાર પિતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. પરંતુ હવે માતા-પિતાની આ તસવીરો અને યાદો જ છે જે મહેશ બાબુ સાથે જીવનભર રહેશે.

મહેશ બાબુના પિતાનું તેલુગુ સિનેમામાં ઘણું મોટું કદ હતું. તેઓ સુપર સ્‍ટાર ક્રિષ્‍ના તરીકે જાણીતા હતા. તેઓ અભિનેતા, પ્રોડ્‍યુસર, ડાયરેક્‍ટર હોવાની સાથે રાજકારણી પણ હતા. તેઓ તેમની ૫ દાયકાની કારકિર્દીમાં લગભગ ૩૫૦ ફિલ્‍મોમાં જોવા મળ્‍યા હતા. તેઓને સુપરસ્‍ટારનો ખિતાબ મળ્‍યો હતો. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્‍યા હતા. તેઓએ પોતાના ફિલ્‍મી કરિયરની શરૂઆત નાની ભૂમિકાઓથી કરી હતી. તેમણે ૧૯૬૧માં અભિનયની શરૂઆત કરી હતી. લીડ એક્‍ટર તરીકે તેઓ ૧૯૬૫માં આવેલી ફિલ્‍મ ‘Thene Manasulu'માં જોવા મળ્‍યા હતા. પોતાના કામથી તેમણે લોકોના દિલ જીતી લીધા અને તેલુગુ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીના મોટા સ્‍ટારનો દરજ્જો હાંસલ કર્યો.

ક્રિષ્‍ના ઘાટ્ટાંમાણેનીએ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન ઇન્‍દિરા સાથે અને બીજા વિજય નિર્મલા સાથે. ઈન્‍દિરાથી તેમના પાંચ બાળકો છે. તેમાં બે દીકરા અને ત્રણ દિકરીઓ છે. દીકરા રમેશ બાબુ અને મહેશ બાબુ છે. બંને ભાઈઓ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી સાથે જોડાયેલા છે. માત્ર ઘાટ્ટાંમાણેની જ નહીં, તેમની બંને પત્‍નીઓ પણ હવે આ દુનિયામાં નથી.

(10:26 am IST)