Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ભાજપમાં હવે ‘લૂછણિયા' શબ્‍દ વાયરલઃ જેમની સામે લડયા તેમનો પ્રચાર

કોંગ્રેસના આયાતી ઉમેદવારો માટે કેસરિયા પાર્ટી ઘૂંટણિયે પડી છે : ટોચના નેતાઓ કાર્યકરોને લૂછણિયા બનાવીને પગ લૂછી રહ્યા છે અને જ્‍યારે ઉપયોગ બંધ થાય છે ત્‍યારે તેને ફેંકી દેવામાં આવે છે

નવી દિલ્‍હી,તા. ૧૫ : પાર્ટી વિધ અ ડિફરન્‍સ અને શિસ્‍તબધ્‍ધ કેડર ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર આયાતી ઉમેદવારોના ઘૂંટણિયે પડી હોવાની છાપ સિનિયર કાર્યકરોમાં ઉભી થઇ રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા જ સી.આર.પાટીલે કહ્યું હતું કે હવે કોઇ કોંગ્રસીને ભાજપમાં લેવામાં આવશે નહીં પરંતુ તેમની આ વાતમાં વજન પડયું નથી. હોદ્દો સંભાળ્‍યા પછી તેમણે જે નિવેદનો કર્યા હતા તે બધા વિધાનસભાની ચૂંટણીમાં નિરર્થક સાબિત થયા છે.

સી.આર.પાટીલે આવેશમાં આવીને કહ્યું હતું કે આ વખતે ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો ભાજપ મેળવશે પરંતુ હવે તેમણે ફેરવી તોળ્‍યુ છે. કેમ કે કોંગ્રેસનો વધતો પ્રભાવ અને આમ આદમી પાર્ટીની એન્‍ટ્રીના કારણે તમામ બેઠકો મેળવવી મુશ્‍કેલ બની છે. તેઓ હવે ૧૮૨ બેઠકો જીતવાનો દાવો કરતા નથી. સી.આર.પાટીલ હવે એવું કહી રહ્યા છે કે ભાજપને બહુમત મળશે. ગુજરાતીમાં કહેવત છે કે ગાજ્‍યા મેહ વરસે નહીં. ભાજપમાં પર સીઆર પાટીલના ગાજ્‍યા મેહ વરસ્‍યા નથી.

છેલ્લી છ ચૂંટણીઓ કરતા ૨૦૨૨ની ચૂંટણી બિલકુલ વિપરિત છે. સંજોગો અલગ છે અને સમસ્‍યાઓ પણ જુદી છે. ૧૯૯૫માં કેશુભાઇ પટેલની સરકારમાં જ્‍યારે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્‍યારે હજુરિયા અને ખજૂરિયા શબ્‍દ પોપ્‍યુલર થયો હતો. સુરેશ મહેતાની સરકાર આવી એટલે મજૂરિયા શબ્‍દ લોકજીભે ચઢી ગયો હતો. હવે ૨૦૨૨માં લૂછણિયા  શબ્‍દ વાયરલ થઇ રહ્યો છે. પાર્ટીએ જેમનો ઉપયોગ કરીને ફેંકી દીધા છે તેવા નેતાઓ અને કાર્યકરોનો સમાવેશ લુછણિયામાં થાય છે.

પગ લુછણિયાનો ઉપયોગ માત્ર પગ સાફ કરવા થાય છે. ટોચના નેતાઓ કાર્યકરોને લૂછણિયા બનાવીને પગ લુછી રહ્યા છે અને જ્‍યારે ઉપયોગ બંધ થાય છે ત્‍યારે તેને ફેંકી દેવામાં આવે છે. કોંગ્રેસના આયાતી ઉમેદવારો માટે પાર્ટી ઘૂંટણિયે પડી છે. પાર્ટીની સેવા કરીને શુ મળ્‍યુ તેવો કોમન પ્રશ્‍ન કાર્યકરો પુછી રહ્યા છે. અગાઉની ચૂંટણી જેમની સામે લડયા તેમને જીતાડવાનો પ્રચાર કરવાની જવાબદારી માથે આવી છે.

ગુજરાતમાં ટિકીટ વિતરણમાં કોંગ્રેસમાં જેટલો અસંતોષ છે તેનાથી વધારે અસંતોષ ભાજપમાં જોવા મળી રહ્યો છે. ૨૦ થી વધુ બેઠકોમાં બળવાખોરીનો ભાજપને ભય છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો ગઇ કાલે છેલ્લો દિવસ હતો. પાર્ટી કેટલાને મનાવી શકે તે બે દિવસમાં સ્‍પષ્‍ટ થશે. કેમ કે ૧૭ મી નવેમ્‍બરે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.

કોંગ્રેસના એક સિનિયર મોસ્‍ટ કાર્યકર્તાએ કહ્યું છે કે ઘરનાં છોકરા ઘંટી ચાટે છે અને બહારના લોકોને આટો મળે છે.

એટલે કે ભાજપના કર્મઠ કાર્યકરોને ટિકીટ મળતી નથી પરંતુ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ૨૪ કલાકમાં ટિકીટ મળી જાય છે. અગાઉની ચૂંટણીમાં જેમને હરાવવા માટેના પ્રયાસ કર્યા હતા તેમને આ ચૂંટણીમાં વિજયી બનાવવાના પ્રયાસ કરવા પડશે.

ભાજપના નેતાઓ એમ માને છે કે કોંગ્રેસના ઉમેદવારોને લાવીને પાર્ટી વિજયની વૈતરણી પાર કરી જશે પરંતુ હકીકતમાં પાર્ટી તેની ઘોર ખોદી રહી છે. બળવાખોરી અને નારાજગીના કારણે ભાજપને તેના ટારગેટ પ્રમાણેની બેઠકો મળવાની શકયતા જણાતી નથી. પાર્ટીએ એવી ૨૦ બેઠકોમાં મુશ્‍કેલી ઉભી કરી દીધી છે કે જ્‍યાં કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકીટ આપી છે.

(10:24 am IST)