Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

બાલી પહોંચતા જ વડાપ્રધાન મોદીનું પારંપરિક સ્વાગત

પીએમ મોદી ત્રણ દિવસના આ બાલી પ્રવાસમાં 20થી વધારે કાર્યક્રમોમાં ભાગ લેશે:દુનિયાના લગભગ 10 નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદી G20 સમિટમાં ભાગ લેવા બાલી પહોંચ્યા છે. ઈન્ડોનેશિયાના બાલી પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. G20 સમિટમાં વડાપ્રધાન મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં, જર્મન ચાંસલર ઓલાફ શોલ્જ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદી 14થી 16 નવેમ્બર વચ્ચે બાલીના પ્રવાસે પહોંચ્યા છે. બાલીમાં 14 અને 16 નવેમ્બરે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે G20 સમિટ થશે. આ સમિત ભારત માટે મહત્વનું છે, કારણ કે આ સમિટના સમાપન સમારોહમાં ઈન્ડોનેશિયા G20 સમિટની અધ્યક્ષતા ભારતને આપશે. ભારત 1 ડિસેમ્બરથી એક વર્ષ સુધી આ G20ની અધ્યક્ષતા કરશે.

બાલી પહોંચતા જ વડાપ્રધાન મોદીનું પારંપરિક સ્વાગત થયુ હતુ. વડાપ્રધાન મોદી ત્રણ દિવસના આ બાલી પ્રવાસમાં 20થી વધારે કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ દુનિયાના લગભગ 10 નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સમિટમાં ફૂડ અને એનર્જી સિક્યોરિટી, હેલ્થ અને ડિજીટલ ટ્રાંસફોર્મેશન, ગ્લોબલ ઈકોનોમી જેવા મુદ્દાઓ પર વાતચીત થશે. તેઓ જો બાઈડન સહિત અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જોકે, તેઓ શી જિનપિંગ સાથે આવી બેઠક કરશે કે નહીં , તે હજુ સ્પષ્ટ થયુ નથી. બાલી પહોંચતા જ ઈન્ડોનેશિયામાં તેમનું ભવ્ય સ્વાગત થયુ. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

 

(10:20 pm IST)