Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

હે ભગવાન આવી હેવાનિયત! ૪૦૦ લોકોએ સગીરા પર કર્યો રેપ

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બનેલી એક અત્યંત ધૃણાસ્પદ અને ચોંકાવનારી ઘટના

પૂણે,તા. ૧૫: દેશમાં મહિલાઓ અને દિકરીઓ પર રેપની ઘટના સામાન્ય બનતી જાય છે જે સમાજ માટે અત્યંત શરમજનક છે પરંતુ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં તો એક સગીરા પર એક કે બે નહીં પરંતુ ૪૦૦ થી વધારે લોકોએ રેપ કર્યાની ઘટના બનતા દેશનું માથું શરમથી ઝૂકી ગયું છે.

બળાત્કારના આ નવા કેસમાં જનમતમાં પ્રકાશિત અહેવાલ મુજબ પીડિતા સગીર છોકરીની માતાનું ૨ વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા. લગભગ એક વર્ષ સુધી સાસરિયામાં રહ્યા બાદ તે ઘરે પાછી ફરી હતી અને આરોપ લગાવ્યો હતો કે સસરાએ પણ તેના પર સેકયુઅલ એટેક કર્યો હતો. થોડા દિવસો પછી તે નોકરીની શોધમાં અંબેજોગાઈ ટાઉન ગઈ.

રિપોર્ટ અનુસાર, બે પુરુષોએ અંબેજોગાઈમાં નોકરીનું વચન આપીને સગીર છોકરીનું જાતીય શોષણ કર્યું હતું. ત્યારબાદ એક પોલીસ કર્મચારી સહિત ૧૦૦ અન્ય લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ૬ મહિનાની અંદર લગભગ ૪૦૦ લોકોએ સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.પીડિત સગીર હાલમાં ૨ મહિનાની ગર્ભવતી છે. હાલ પોલીસે સમગ્ર કેસ અંગે પીડિતાના નિવેદન પર ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા બાળકને જન્મ ન આપી શકે તે માટે ગર્ભપાતની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

(10:06 am IST)