Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

IMAની તમામ ડાયાબિટીસના દર્દીઓ માટે રસીકરણની હાકલ : જરૂર પડે તો રસીના ત્રીજા ડોઝની પણ માંગ કરી

આઈએમએએવોકથોન, મેરેથોન, સ્ક્રીનીંગ કેમ્પ અને સોશિયલ મીડિયા ઝુંબેશ સાથે ડાયાબિટીસની જટીલતાઓને વહેલી તકે શોધવા અને ઘટાડવા માટે અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હી :ડાયાબિટીસ સંબંધિત સંવેદનશીલતા અને જટિલતાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ તમામ ડાયાબિટીસના દર્દીઓ માટે કોવિડ રસીકરણની હાકલ કરી હતી, જેમાં જરૂર પડે તો રસીના ત્રીજા ડોઝની માંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઈએમએએ વોકથોન, મેરેથોન, સ્ક્રીનીંગ કેમ્પ અને સોશિયલ મીડિયા ઝુંબેશ સાથે ડાયાબિટીસની જટીલતાઓને વહેલી તકે શોધવા અને ઘટાડવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશમાં યુવા ડોકટરોમાં સંશોધન પેપરને પ્રોત્સાહન આપવાનો મુદ્દો અને હોસ્પિટલોમાં “ઉંડા” વ્યક્તિગત હસ્તક્ષેપનો પણ સમાવેશ થાય છે

વિશ્વ  ડાયાબિટીસ દિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ ઝુંબેશ 10 દિવસ સુધી ચાલશે અને તેનું લક્ષ્ય એક અબજ લોકો સુધી પહોંચવાનું છે, એમ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઝુંબેશના ભાગરૂપે IMAએ ભારતીય તબીબી સંગઠનો, રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઑફ ડાયાબિટીસ ઈન ઈન્ડિયા (RSSDI), એન્ડોક્રાઈન સોસાયટી અને અન્ય ઘણી વિશિષ્ટ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે.

IDF ડાયાબિટીસ એટલાસની 10મી આવૃત્તિના ડેટા અનુસાર ડાયાબિટીસને કારણે 2021માં વિશ્વભરમાં 6.7 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા અને વિશ્વભરમાં 53.7 કરોડ પુખ્તો (20 થી 79 વર્ષની વયના) હાલમાં આ સ્થિતિ સાથે જીવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની સંખ્યા 2030 સુધીમાં વધીને 64.3 કરોડ અને 2045 સુધીમાં 78.4 કરોડ સુધી થવાનું અનુમાન છે. ભારતમાં 7.7 કરોડથી વધુ પુખ્ત વયના લોકો ડાયાબિટીસથી પીડાય છે અને સંશોધકોનો અંદાજ છે કે 2045 સુધીમાં આ સંખ્યા વધીને 13.4 કરોડ થઈ જશે

વિશ્વ ડાયાબિટીસ દિવસ  વર્ષ 2006માં યુનાઈટેડ નેશન્સ ઠરાવ 61/225 પસાર થયાની સાથે એક સત્તાવાર સંયુક્ત રાષ્ટ્ર દિવસ બન્યો. તે દર વર્ષે 14 નવેમ્બરે સર ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસે યોજવામાં આવે છે, જેમણે ચાર્લ્સ બેસ્ટ સાથે મળીને 1922માં ઈન્સ્યુલિનની શોધ કરી હતી. વિશ્વ ડાયાબિટીસ દિવસ 2021-23 ની થીમ ‘એક્સેસ ટુ ડાયાબિટીસ કેર’ છે.

(9:57 pm IST)