Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ભારે વિવાદ વચ્ચે શનિવારે બે મહિના માટે કેરળના સબરીમાલા મંદિરના કપાટ ખુલશે

વિજયને કહ્યું કે અમારી પાસે સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

કેરળના સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરના કપાટ શનિવારથી બે મહિના માટે ખુલશે. આ દરમિયાન વાર્ષિક પૂજા મંડાલા મક્કારા વિલ્લાક્કા થશે. જોકે મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવા અંગે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  ગુરૂવારે કેરળ સરકારે તમામ પાર્ટીઓની બેઠક બોલાવી અને પ્રસ્તાવ રાખ્યો છે કે મહિલાઓના દર્શન માટે અલગ દિવસ તૈયાર કરવામાં આવ્યો છે.જોકે બેઠક વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપના વોકઆઉટના કારણે નિષ્ફળ રહી હતી.

  મુખ્યપ્રધાન પી. વિજયને બેઠક બાદ જણાવ્યું હતું કે તેઓ એવી શકયતા પર વિચાર કરી રહ્યાં હતા કે મંદિરમાં મહિલાઓના દર્શન માટે અલગ દિવસ નક્કી કરવામાં આવે. તેના માટે ચર્ચાની આવશ્યકતા હતી.

  વિજયને કહ્યું કે સરકાર અડગ નથી, પરંતુ અમારી પાસે સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોર્ટ જે પણ ચૂકાદો આપે અમે તેનું અનુસરણ કરીશું. વિપક્ષે સર્વદલીય બેઠકમાં માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને 22 જાન્યુઆરી સુધીમાં લાગૂ ન કરવામાં આવે. કારણ કે આ દિવસે જ કોર્ટ અગાઉ સપ્ટેમ્બરમાં આપેલા ચુકાદા પર ફેર વિચારણા કરનાર છે.

(10:27 pm IST)