Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

નોટબંધી પછી રિટર્ન ફાઇલ નહીં કરનાર ૮૦,૦૦૦ કેસ પર CBDTની નજર

૨૦૧૬માં કરવામાં આવેલી નોટબંધીએ ખરેખર કરદાતાઓની સંખ્યામાં વધારો કરવામાં અને દેશની સીધા કરની આવક વધારવામાં ઘણી મદદ કરી છે

નવી દિલ્હી તા. ૧૫ : નોટબંધી બાદ નોટિસો મોકલવાય છતાં રિટર્ન ફાઇલ ન કરનારા ૮૦,૦૦૦ કેસોનો કર વિભાગના અધિકારીઓ પીછો કરી રહ્યા છે.

પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આઇટી વિભાગના સ્ટોલનું ઉદઘાટન કરતી વખતે સીબીડીટીના ચેરમેન સુશીલચન્દ્રએ જણાવ્યું હતું કે એવા ૮૦,૦૦,૦૦૦ લોકો પણ શોધી કાઢયા છે, જેમણે અગાઉ ત્રણ વર્ષ દરમિયાન રિટર્ન ફાઇલ કર્યા હતા, પણ નોટબંધી પછી રિટર્ન ફાઇલ નથી કર્યા.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬માં કરવામાં આવેલી નાઙ્ખટબંધીએ ખરેખર કરદાતાઓની સંખ્યામાં વધારો કરવામાં અને દેશની સીધા કરની આવક વધારવામાં ઘણી મદદ કરી છે.જો તમે ગયા વર્ષનું સીધા કરનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો એ ૫૨ ટકા હતું અને આડકતરા કરનું ૪૮ ટકા હતું. આવું ઘણાં વરસો બાદ થયું છે, જયારે સીધો કર આડકતરા કર કરતા વધારે આવ્યો હોય. તમે જો એમ જાણવા માગતા હો કે નોટબંધીનો લાભ શો થયો, તો એનો જવાબ એમ છે કે એને કારણે બધા નાણાં હવે બેંકમાં જમા થયા છે અને એને રિટર્ન સાથે સરખાવીને સરળતાથી જાણી શકાય છે કે કોણે કર નહોતો ભર્યો.

નોટબંધી બાદ અમારા વિભાગે ત્રણ લાખ લોકોને રિટર્ન ભરવા માટે એસએમએસ અને ઇમેઇલ દ્વારા નોટિસો મોકલાવી હતી, એમાંથી અંદાજે સવાબે લાખ લોકોએ રિટર્ન દાખલ કર્યા હતા, પણ ૮૦ હજાર લોકોએ હજુ કર્યા નથી અને અમારો વિભાગ એમની પાછળ પડયો છે તથા ટૂંક સમયમાં અમે એનું અસેસમેન્ટ કરીને આગળ પગલાં લઇશું.

(2:36 pm IST)