Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટ્રીપલ મર્ડર કેસમાં એક અઠવાડિયા બાદ એક શખ્સની ધરપકડ

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલા ટ્રિપલ મર્ડરથી હાહાકાર મચ્યો છે. આ ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને એક અઠવાડિયા બાદ સફળતા મળી છે. પોલીસે આ મામલે મંગળવારે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ઉત્પલ બહેરા કહેવામાં આવી રહ્યું છે. 10 ઓક્ટોબરના રોજ મુર્શિદાબાદના જિયાગંઝ વિસ્તારમાં રહેતા બંધુ પ્રકાશ તેમની ગર્ભવતી  પત્ની અને 6 વર્ષના પુત્રની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી.

માર્યા ગયેલા બંધુ પ્રકાશ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર હતાં. એવું કહેવાય છે કે ધરપકડ કરાયેલા આરોપી ઉત્પલે પોલીસ પૂછપરછમાં ગુનો કબુલ કર્યો છે. ઉત્પલનું કહેવું છે કે બંધુ પ્રકાશ પાલની ઈન્શ્યોરન્સ કંપનીમાં તેણે પૈસા રોક્યા હતાં.

ઉત્પલે પોલીસને જણાવ્યું કે બંધુ પ્રકાશ પાસેથી 24 હજાર રૂપિયા તેણે લેવાના નીકળતા હતાં. પરંતુ બંધુ પ્રકાશ તેને પૈસા પાછા આપતા નહતાં. આરોપી ઉત્પલનું કહેવું છે કે જ્યારે પણ તે બંધુ પ્રકાશ પાસે પૈસા માંગવા જતો હતો ત્યારે તેઓ તેને ગાળો બોલીને તગેડી મૂકતા હતાં. આથી તેણે બદલો લેવા માટે બંધુ પ્રકાશ પાલના સમગ્ર પરિવારને ખતમ કરી નાખ્યો.

(5:32 pm IST)