Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

એનસીપીના સર્વોચ્ચ પ્રફુલ્લ પટેલ પર ઈકબાલ મીર્ચી સાથે સંબંધોનો આક્ષેપઃ મિર્ચીની ૩૫ પ્રોપર્ટી સીલ કરાશે

એનસીપીએ આપ્યો રદીયો

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ઈડી)એ મની લોન્ડ્રીંગ બાબતે ઈકબાલ મહમ્મદ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચીની ૩૫ પ્રોપર્ટીઓ સીલ કરવાની યોજના બનાવી છે. ઉલ્લેખનિય છે કે ઈકબાલ મિર્ચીને ડોન દાઉદ ઈબ્રાહીમનો નજીકનો સહયોગી માનવામાં આવે છે. ઈડીનો દાવો છે કે ઈકબાલ મિર્ચીના નામે મુંબઈના સી.જે. હાઉસમાં પણ બે માળ છે. આ ફર્મ એનસીપી નેતા અને ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલની છે.

ઈડી અનુસાર પ્રફુલ્લ પટેલની મિલેનીયમ ડેવલપર્સ પ્રા.લી. ૨૦૦૬-૦૭ દરમિયાન સીજે હાઉસમાં બની હતી. તેનો ત્રીજો અને ચોથો માળ ઈકબાલ મિર્ચીની પત્નિ હાજરા ઈકબાલને ૨૦૦૭માં ટ્રાન્સફર કરાયો હતો. ઈડીનો દાવો છે કે જે જમીન પર આ બિલ્ડીંગ બની તેમાં મિર્ચી સંકળાયેલો હતો. ઈડી અનુસાર આ જમીન મિલેનીયમ ડેવલપર્સને શંકાસ્પદ રીતે વેચવામાં આવી હતી. તેમા મિર્ચીના પૈસા પણ રોકવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ઈડી ટૂંક સમયમાં જ પ્રફુલ્લ પટેલ અને તેની પત્નિ વર્ષા પટેલને સમન્સ મોકલવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષા પટેલ મિલેનીયમ ડેવલપર્સમાં સહ માલિક છે. બન્નેની આ કેસમાં પૂછપરછ થઈ શકે છે. જો કે એનસીપીએ પ્રફુલ્લ પટેલ અને ઈકબાલ મિર્ચી વચ્ચે લીંક હોવાની વાતને રદીયો આપ્યો છે. એનસીપી અનુસાર પટેલ પરિવારે જે જમીન પર સીજે હાઉસ બનાવ્યુ હતુ તે ૧૯૬૩માં ગ્વાલીયરના મહારાજા પાસેથી ખરીદવામાં આવી હતી. કો-ઓનર્સના વિવાદના કારણે આ પ્રોપર્ટી પર ૧૯૭૮થી ૨૦૦૫ સુધી કોર્ટ કેસ ચાલતો હતો. આ દરમિયાન બિલ્ડીંગના પાછળના ભાગમાં ગેરકાયદે કબ્જો હતો. હાઈકોર્ટના આદેશ પછી ગેરકાયદે કબ્જો ધરાવતા લોકોને પટેલ પરિવારે બિલ્ડીંગ બનાવી ત્યારે ત્રીજા માળે શીફટ કરાયા હતા. સીજે હાઉસ કોઈની અંગત સંપત્તિ નથી જેમ મીડીયા રીપોર્ટમાં કહેવાયુ છે. અમારી પાસે કોર્ટના આદેશ અને બધા કાગળો છે.

(3:44 pm IST)