Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

૪ વર્ષમાં ૧૧.૩ લાખ છાત્રો ખાનગી છોડી સરકારી સ્‍કુલમાં જોડાયા

ગુજરાતમાં દિલ્‍હીવાળી થઇ : મહામારીમાં ૪૦૦ ખાનગી શાળાઓ બંધ થઇ : ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓમાં ‘રિવર્સ ટ્રેન્‍ડ' જોવા મળ્‍યોઃ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં અનુક્રમે ૨.૮૫ લાખ અને ૩.૪૯ લાખ છાત્રોએ ખાનગી શાળા છોડીઃ લોકડાઉન કારણભૂત

નવી દિલ્‍હી, તા.૧૫: ખાનગી કંપનીમાં કામ કરતુ મણીનગરનું એક યુવા દંપતિ, સંજય અને અંકિતા પ્રજાપતિએ પોતાના બે પુત્રોને મણીનગરની એક ખાનગી શાળા પૂજા વિદ્યાલયમાંથી ઉઠાડીને તેમને ઇન્‍દ્રપુરી સરકારી પ્રાથમિક શાળામાં દાખલ કર્યા છે.

સંજય પ્રજાપતિએ કહ્યું, ‘અમારો પુત્ર પ્રીન્‍સ છઠ્ઠા ધોરણમાં છે અને જસ્‍મીન ચોથા ધોરણમાં. સારી એવી ફી ચુકવવા છતા ખાનગી શાળાનું શિક્ષણ સંતોષકારક નહોતું. એટલે અમે તેમને સરકારી શાળામાં દાખલ કર્યા જયા આશ્‍ચર્યકારક રીતે શિક્ષણ બહુ સારૂ છે. અમારા બંને પુત્રોનું પર્ફોર્મન્‍સ સુધર્યુ છે કેમ કે આ લોકો સાપ્‍તાહિક પરિક્ષાઓ લે છે. અમારા બંને બાળકો નિયમીત રીતે ઘરે પણ અભ્‍યાસ કરે છે. સંજય અને તેની પત્‍નિની આવક માસિક ૧૫૦૦૦ રૂપિયા છે. તે કહે છે કે મફત શિક્ષણના કારણે તેના પૈસા બચે છે જે તેને પરિવારના અન્‍ય ખર્ચમાં મદદરૂપ થાય છે.

ગુજરાતમાં ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં જવાનો રિવર્સ ટ્રેન્‍ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૪ વર્ષમાં ધોરણ ૧ થી ૮ના ૧૧.૩ લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં એડમીશન લીધુ હોવાનુ રાજયના શિક્ષણ વિભાગના આંકડાઓ કહે છે.

મહામારી દરમ્‍યાન ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં અનુક્રમે ૨.૮૫ લાખ અને ૩.૪૯ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ ગુજરાતમાં છોડી હતી. એ વખતે લોકડાઉનના કારણે પરિવારોની આવકો ઘટી હતી પણ ૨૦૨૨માં પણ આ ટ્રેન્‍ડ ચાલુ રહ્યો અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૨.૨૪ લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં આવ્‍યા છે.

જો કે આના માટેનું કોઇ ચોક્કસ કારણ નથી કહી શકાતું પણ અલગ અલગ લોકો વિભીન્‍ન કારણો આપે છે. પ્રિન્‍સીપાલ શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું કે સરકારી શાળાઓમાં પાછા આવવાનો આ રિવર્સ ટ્રેન્‍ડ પાંચ વર્ષથી શરૂ થયો છે. પહેલા સરકારી શાળાઓમાીં વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં જતા હતા તે ટ્રેન્‍ડ હવે બદલાયો છે. વાલીઓ તેમના બાળકોને સરકારી શાળાઓમાં દાખલ કરી રહ્યા છે જે દર્શાવે છે કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્‍તર સુધર્યુ છે.

વિનોદ રાવ આની ક્રેડીટ શિક્ષણ ક્ષેત્રે કરાયેલ સુધારાઓને આપે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી, ૬૦૦૦૦ સ્‍માર્ટ કલાસ, વિદ્યાર્થીઓનું સાપ્‍તાહિક સેન્‍ટ્રલાઇઝા એસેસમેન્‍ટ, સ્‍ટુડન્‍ટ વાઇઝ, સબજેકટવાઇઝ રિપોર્ટ કાર્ડ વગેરેના કારણે શિક્ષણનું સ્‍તર સુધર્યુ છે જે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં આપવા આકર્ષે છે.

સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલ મેનેજમેન્‍ટ એસોસીએશનના પ્રમુખ ભરત ગાજીપરાએ કહ્યું કે કોરોના મહામારીએ મર્યાદિત કલાસરૂમોવાળી નાની શાળાઓને બહુ અસર કરી હતી. મર્યાદીત વિદ્યાર્થીઓ સાથેની આવી શાળાઓ માળખાના અભાવે ઓનલાઇન કલાસીસ પણ ન્‍હોતી લઇ શકતી. આવી શાળાઓને અન્‍ય શાળામાં જવા સિવાય બીજો કોઇ વિકલ્‍પ ન નહોતો. તેમણે વધુમાં કહ્યું કે મહામારી દરમ્‍યાન આવી ૪૦૦ થી પણ વધારે શાળાઓ બંધ થઇ ગઇ હતી.

(11:00 am IST)