Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કેસની સદી : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ સદી ફટકારી : આજે ૪૭ કેસ

૧૦ વિસ્તારના ૮૮ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન : ગઇકાલે ૭૬ દર્દીઓ સાજા થયા : રિવકરી રેટ ૬૩.૯૨ ટકા : કુલ કેસનો આંક ૪૫૮૫એ પહોંચ્યો

રાજકોટ તા. ૧૫ : સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે.  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૭ પોઝીટીવ કેસ આવ્યા છે. જ્યારે ગઇકાલે સાંજે પાંચ કલાકમાં ૫૩ કેસ નોંધાયા હતા. ગઇકાલ બપોરના ૧૨ વાગ્યાની આજ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૦૦ રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૫૮૫  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૨૯૦૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૩.૯૨ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૬૬૯૮ સેમ્પલ લેવાયા  હતા.જેમાં ૯૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૪૩ ટકા થયો  હતો. જયારે ૭૬ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૩૬,૦૧૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૯૦૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૩૩  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  સ્વાતિ એપાર્ટમેન્ટ- યાજ્ઞિક રોડ,રામકૃષ્ણનગર, ચિત્ર કુટ ધામ-પુષ્કરધામ મેઇન રોડ, રાજલક્ષ્મી સોસાયટી- કોઠારિયા રોડ, પૂનમ સોસાયટી- મવડી પ્લોટ, ન્યુ ગાંધી સોસાયટી- નાના મૌવા મેઇન રોડ, સ્વાગત સોસા.,-કોઠારિયા રોડ તથા હુકડો કવાર્ટર-સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં ૮૮ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૫૯ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૩૫ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૫૯,૧૦૪  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૩૫ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે માંડા ડુંગર, રાજલક્ષ્મી, નીલકંઠ પાર્ક, એસ્ટ્રોન, હરિહર સોસાયટી, નાલંદા પાર્ક શ્યામ પાર્ક સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૨૫૫ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:57 pm IST)